<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ગુરુવાયુર મંદિરે તોડયો સૌથી વધુ લગ્નનો પોતાનો જ રેકોર્ડઃ ૭ કલાક, ૬ મંડપ હેઠળ અને ૪૧૬ યુગલોનાં લગ્ન

કેરલના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રીકૃષ્‍ણ મંદિરમાં ચિંગમ મહિનાના પહેલા રવિવારે માત્ર સાત કલાકમાં રેકોર્ડ સંખ્‍યામાં લગ્નો યોજાયા : છ મંડપમાં દર કલાકે ૬૦ યુગલોનાં લગ્ન કરાવવામાં આવ્‍યાં અને ૨૦૨૪ના ૩૩૪ લગ્નોના રેકોર્ડને પણ આ વખતે પાર કરવામાં આવ્‍યો

કોચી,તા.૨૬: કેરલમના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રીકૃષ્‍ણ મંદિરમાં રવિવારે માત્ર ૭ કલાકની અંદર રેકોર્ડબ્રેક સંખ્‍યામાં લગ્નો થયાં. જેમ આપણે ત્‍યાં અખાત્રીજ લગ્નો માટે બહુ પવિત્ર ગણાય છે એમ અહીં મલયાલમ મહિનો ચિગમ લગ્નો માટે શુભ મનાય છે. ચિગમ મહિનાના પહેલા રવિવારે આવતા એક ખાસ શુભ મુરતમાં સેંકડો યુગલોનાં લગ્ન થયાં હતાં. જોકે ગુરુવાયુર મંદિર માટે આ કોઈ પહેલી વારની ઇવેન્‍ટ નહોતી.

આ પહેલાં ૨૦૨૪ની ૮ સપ્‍ટેમ્‍બરે ચિગમ મહિનાના પહેલા રવિવારે ૩૩૪ લગ્નો કરાવવાનો રેકોર્ડ ઑલરેડી નોંધાયેલો છે. જોકે આ વખતે ૩૩૪ના આંકડાને પણ પાર કરી જવાયો હતો. મંદિરમાં લગ્ન માટે ૬ મંડપ અને લગ્નવેદીઓ બનાવવામાં આવ્‍યાં હતાં. અહીં દર કલાકે ૬૦ યુગલોનાં લગ્ન કરાવવામાં આવ્‍યાં હતાં. આ લગ્ન રેકોર્ડબ્રેક ઝડપે પૂરાં થાય એ માટે મંડપની આસપાસ લોકોની ભીડ ન થાય અને લગાતાર સતત લગ્નવેદી પર યુગલોની વિધિ નિરંતર ચાલતી રહે એ માટે જડબેસલાક મેનેજમેન્‍ટ કરવામાં આવ્‍યું હતું. ભીડને કારણે કોઈ અફરાતફરી ન મચે એ માટે મંડપમાં જ ૧૦૦થી વધુ પોલીસો તહેનાત કરવામાં આવ્‍યા હતા.

સવારે ૪.૧૦ વાગ્‍યે લગ્નની વિધિનો સિલસિલો શરૂ થયો હતો જે બપોરે ૧૨.૪૫ સુધી ચાલતો રહ્યો હતો. આ વચ્‍ચે માત્ર ઉષાપૂજા અને પંથીરાડી પૂજાના સમયે મંદિરનાં કપાટ બંધ રહ્યાં હતાં અને થોડા જ સમયનો વિરામ લેવામાં આવ્‍યો હતો. આ ઇવેન્‍ટનું આયોજન કોઈ મેગા સમૂહલગ્ન કરતાંય વધુ સારી રીતે કરવામાં આવ્‍યું હતું.

(10:35 AM IST)