<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ માટે સહમત? હવે ખતમ થશે તેલ સંકટ?

ઈરાન-અમેરિકા યુદ્ધમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે : ઈરાન અને અમેરિકા યુદ્ધવિરામ કરાર માટે સંમત થઈ ગયા છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

મોસ્‍કો તા.૨૬: અમેરિકા અને ઈરાન વચ્‍ચેનો તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. જો રશિયન એજન્‍સી RIA નોવોસ્‍તીના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો બંને દેશ યુદ્ધવિરામ કરાર માટે સંમત થઈ ગયા છે. એજન્‍સીએ પાકિસ્‍તાની સૈન્‍ય અધિકારીઓ અને ઈરાની સુરક્ષા સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. અહેવાલ મુજબ પ્રસ્‍તાવિત કરારમાં હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની મુક્‍ત અવરજવરની મંજૂરી પણ સામેલ છે, જે આ સમગ્ર સંઘર્ષનો મુખ્‍ય મુદ્દો રહ્યો છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્‍ચે થયેલા આ કરારની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં થઈ શકે છે. જોકે, અત્‍યાર સુધી બંને દેશો તરફથી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હોર્મુઝ જળમાર્ગ દુનિયાના સૌથી મહત્‍વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે અને અહીંથી મોટી માત્રામાં તેલ તથા અન્‍ય ઊર્જા ઉત્‍પાદનોનું પરિવહન થાય છે. જો આ કરાર લાગુ થાય છે, તો તેનાથી વિસ્‍તારમાં ચાલી રહેલો તણાવ ઘટવાની આશા વધી શકે છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર સામાન્‍ય થવાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને તેલના પુરવઠાને લઈને મોટી ખુશખબર મળવાની આશા છે.

યુદ્ધવિરામ કરારના સમાચાર એવા સમયે આવ્‍યા છે, જ્‍યારે અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો વધાર્યા છે. અમેરિકાએ ઈરાનને આર્થિક રીતે નબળું પાડવાની યોજના બનાવી હતી, ત્‍યારબાદ તેના પર એવા પ્રતિબંધો લગાવવામાં આવ્‍યા હતા, જે તેને વૈશ્વિક સ્‍તરે અલગ પાડનારા હતા. મોટાભાગના દેશો હજુ પણ ઈરાન સાથે વેપાર કરતા નથી, પરંતુ પヘમિ એશિયા, દક્ષિણ એશિયા ઉપરાંત રશિયા એવો દેશ હતો, જેણે ઈરાન સાથે આર્થિક સંબંધો જાળવી રાખ્‍યા હતા. અમેરિકાના નવા પ્રતિબંધો આ દેશો સાથે જોડાયેલી કંપનીઓ સામે કાર્યવાહી કરવાના હતા અને તેનાથી ઈરાનને મોટું નુકસાન થવાનું હતું. આવી સ્‍થિતિમાં અમેરિકાને આશા હતી કે આ પગલા બાદ ઈરાન કરારની વાતચીતના ટેબલ પર આવી જશે.

આ દરમિયાન ઈરાને ફરી એકવાર ઓમાન સાથે હોર્મુઝ જળમાર્ગને લઈને કરારની વાત શરૂ કરી છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે ઓમાન સાથે ઈરાનનો આ કરાર થવાની નજીક છે. ત્‍યારબાદ દરિયાઈ વિસ્‍તારમાં રહેલી બારૂદી સુરંગોને દૂર કરવાની યોજના પણ બનાવવામાં આવી છે અને હોર્મુઝ જળમાર્ગમાં જહાજો માટે નવો કામચલાઉ માર્ગ તૈયાર થઈ શકે છે.

ઈરાનના એક વરિષ્ઠ રાજદ્વારીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઈરાનના જણાવ્‍યા અનુસાર પ્રસ્‍તાવિત કરાર લાગુ થયા બાદ હાલમાં જહાજો માટે ઉપયોગમાં લેવાતો દક્ષિણ દરિયાઈ માર્ગ બંધ થઈ શકે છે. આ માર્ગ ઓમાનના કિનારા નજીકથી પસાર થાય છે અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા પ્રાપ્ત દરિયાઈ માર્ગનો ભાગ છે.

તમને જણાવી દઈએ કે, ઈરાન લાંબા સમયથી આ માર્ગ સામે વાંધો ઉઠાવતું રહ્યું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્‍યું કે, ઈરાન અને ઓમાન મળીને નવો માર્ગ બનાવવા માટે સંમત થયા છે. આ માર્ગ પરથી જહાજો બંને દિશામાં ઈરાનના દરિયાઈ વિસ્‍તારમાંથી પસાર થશે. તમને જણાવી દઈએ કે, હજુ કરારને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવ્‍યું નથી. અમેરિકા હંમેશા ઈરાનના નવા માર્ગનો વિરોધ કરતું રહ્યું છે, આવી સ્‍થિતિમાં તે તેને સ્‍વીકારશે કે નહીં, તે મોટો સવાલ છે. ઓમાન તરફથી જાહેર કરવામાં આવેલા પ્રારંભિક નિવેદનમાં દક્ષિણ માર્ગ બંધ કરવાનો કોઈ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો નહોતો. બાદમાં ઈરાન તરફથી આ માહિતી સામે આવી. આ જ કારણે પ્રસ્‍તાવિત કરારને લઈને સ્‍થિતિ હજુ સંપૂર્ણપણે સ્‍પષ્ટ નથી.

(3:36 PM IST)