<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

દિલ્‍હી-NCR સહિત દેશના ૨૩ રાજ્‍યોમાં વરસાદનું એલર્ટઃ હવામાન વિભાગની આગાહી

યુપી-બિહારમાં વાવાજોડા સાથે વરસાદ પડવાની આશંકાઃ પર્વતીય વિસ્‍તારોમાં ભૂસ્‍ખલન અને રાજસ્‍થાનમાં વરસાદ ધમાકેદાર બેટિંગની ચેતવણી

નવી દિલ્‍હી, તા.૨૬: ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની ગંભીર ચેતવણીએ દેશભરમાં ભારે હલચલ મચાવી દીધી છે. દિલ્‍હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્‍ય પ્રદેશ સહિત દેશના ૨૩ રાજ્‍યોમાં એકસાથે તોફાની વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. આ કુદરતી આફતના ભયને પગલે ટ્રાફિક અને સુરક્ષાના હેતુથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને શકય હોય તો ઘરેથી જ કામ કરવાની અથવા ઓફિસમાંથી રજા લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દિલ્‍હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવનો અને મુશળધાર વરસાદને કારણે રસ્‍તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાવાની મોટી આશંકા છે.

બિહારના કેટલાંક વિસ્‍તારોમાં પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર રૂપ ધારણ કરી શકે છે, જ્‍યાં પવનની ગતિ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા છે. પૂર્ણિયા, જહાનાબાદ, દરભંગા, ભાગલપુર, વૈશાલી, મધુબની અને બેગુસરાય જેવા જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદી આફત આવી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના અયોધ્‍યા, ગોરખપુર, વારાણસી, ઝાંસી, અમેઠી, બાંદા અને કૌશામ્‍બી જેવા ૩૦થી વધુ જિલ્લાઓમાં ૬૫ કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે મૂસળધાર વરસાદ પડવાનું યલો અને ઓરેન્‍જ એલર્ટ જારી કરાયું છે. મધ્‍ય પ્રદેશના ગ્‍વાલિયર, રીવા, છત્તરપુર અને સતના વિસ્‍તારોમાં પણ અતિભારે વરસાદથી નીચાણવાળા વિસ્‍તારો જળમગ્ન થવાની સંભાવના છે.

પહાડી વિસ્‍તારોની સ્‍થિતિ વધુ ભયાનક બની રહી છે, જ્‍યાં ઉત્તરાખંડના દેહરાદૂન, ઋષિકેશ, હરિદ્વાર અને પિથોરાગઢ તેમજ હિમાચલ પ્રદેશના કુલ્લુ, મંડી, સોલન અને કાંગડામાં ભૂસ્‍ખલનનો મોટો ભય તોળાઈ રહ્યો છે. જમ્‍મુ-કાશ્‍મીરના શ્રીનગર, અનાંતનાગ અને બારામુલ્લામાં પણ આકાશમાંથી વીજળી પડવા સાથે મુશળધાર વરસાદની ચેતવણી અપાઈ છે. રાજસ્‍થાનના જયપુર, ઉદયપુર, કોટા અને બિકાનેરમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. પહાડી અને પૂર પ્રભાવિત વિસ્‍તારોની મુસાફરી હાલ પૂરતી મુલતવી રાખવા માટે સરકારી તંત્ર દ્વારા નાગરિકોને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

(2:54 PM IST)