<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ડિગ્રી તો મળે છે પરંતુ નોકરી લાયક કૌશલ્‍ય નથીઃ બી.એ., બી.એસસી., બી.કોમ.પર નીતિ આયોગનો સવાલઃ શિક્ષણમાં ફેરફારની ભલામણ

મોટાભાગની સંસ્‍થાઓના અભ્‍યાસક્રમો જૂના અને બદલાતા સમય સાથે સુસંગત નથી માત્ર ૮.૨૫ ટકા સ્‍નાતકો તેમની લાયકાતને અનુરૂપ નોકરીમાં કાર્યરત છે : દેશના ૩.૨ ટકાના રાષ્ટ્રીય બેરોજગારી દર કરતાં સ્‍નાતકોનો બેરોજગારીનો દર ઊંચો

નવી દિલ્‍હી તા.૨૬: ભારતમાં ઉચ્‍ચ શિક્ષણ મેળવ્‍યા બાદ પણ મોટી સંખ્‍યામાં યુવાનોને તેમની લાયકાતને અનુરૂપ નોકરી મળતી નથી. નીતિ આયોગે દેશની કૌશલ્‍ય વિકાસ વ્‍યવસ્‍થામાં મોટા ફેરફારની જરૂરિયાત દર્શાવતા જણાવ્‍યું છે કે બી.એ., બી.એસસી. અને બી.કોમ. જેવી સામાન્‍ય ડિગ્રીઓથી નોકરી મળવાની શક્‍યતા ઘણી ઓછી છે. આ ઉપરાંત, ૯૦ ટકાથી વધુ સ્‍નાતકો તેમની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ન હોય તેવી નોકરીઓમાં કામ કરી રહ્યા છે. આ સ્‍થિતિને સુધારવા માટે રોજગાર સાથે સીધી રીતે જોડાયેલા અભ્‍યાસક્રમો, તાલીમ અને એપ્રેન્‍ટિસશિપ પર વધુ ભાર મૂકવાની જરૂર છે.

દેશમાં સ્‍નાતકોમાં બેરોજગારીનો દર પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે. નીતિ આયોગે ગ્રીન ઉદ્યોગો, ઇલેક્‍ટ્રિક વાહનો જેવા ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રોમાં વિશેષ કૌશલ્‍ય આધારિત અભ્‍યાસક્રમો શરૂ કરવા અને એપ્રેન્‍ટિસશિપને વધુ પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્‍યો છે. આયોગે જણાવ્‍યું છે કે ભારતમાં ૯૦ ટકાથી વધુ સ્‍નાતકો એવી નોકરીઓમાં છે, જે તેમની લાયકાત સાથે સુસંગત નથી.

નીતિ આયોગે શનિવારે જાહેર કરેલા Reimagining Skilling for Viksit Bharat નામના અહેવાલમાં જણાવ્‍યું હતું કે ભારતની ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ વ્‍યવસ્‍થામાં ભણાવવામાં આવતી બાબતો અને શ્રમબજારની જરૂરિયાતો વચ્‍ચે મૂળભૂત અંતર છે. મોટાભાગની સંસ્‍થાઓના અભ્‍યાસક્રમો જૂના છે અને ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત નથી. પરિણામે ડિગ્રી, ડિપ્‍લોમા અને પ્રમાણપત્રો મેળવ્‍યા બાદ પણ યોગ્‍ય નોકરી મળતી નથી.

આયોગે આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ના આંકડાઓને ટાંકીને જણાવ્‍યું હતું કે માત્ર ૮.૨૫ ટકા સ્‍નાતકો તેમની લાયકાતને અનુરૂપ નોકરીમાં કાર્યરત છે. દેશમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ પણ ઊંચું છે. તમામ સ્‍નાતકોમાં બેરોજગારીનો દર ૧૩ ટકા છે, જ્‍યારે સ્‍નાતક મહિલાઓમાં આ દર ૨૦.૪ ટકા છે. આ બંને દર દેશના ૩.૨ ટકાના રાષ્ટ્રીય બેરોજગારી દર કરતાં ઘણા વધારે છે.

આ સમસ્‍યામાં સામાન્‍ય ડિગ્રી અભ્‍યાસક્રમો તરફનો વધુ પડતો ઝોક પણ વધારો કરે છે. દેશમાં સ્‍નાતક સ્‍તરના અભ્‍યાસક્રમોમાં કુલ ૩.૪ કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. તેમાંથી ૧.૧૩ કરોડ વિદ્યાર્થીઓ માત્ર બી.એ.માં અભ્‍યાસ કરે છે. જ્‍યારે બી.એ., બી.એસસી. અને બી.કોમ.માં સંયુક્‍ત રીતે ૨ કરોડથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ૧૫થી ૨૯ વર્ષની વયના ૮.૭ કરોડ લોકો એટલે કે શ્રમબળની બહાર રહેલી વસ્‍તીના ૧૧ ટકા લોકો નીટ (Not in Education, Employment or Training) શ્રેણીમાં આવે છે. જોકે નીતિ આયોગે સ્‍પષ્ટતા કરી હતી કે અહેવાલમાં નીટ શ્રેણીનો અર્થ એવા લોકો છે જેઓ રોજગારની શોધ કરી રહ્યા નથી. તેથી તેમને બેરોજગારોમાં ગણી શકાય નહીં.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ઇન્‍ટરવ્‍યૂમાં કહ્યું હતું કે ભારતીય શિક્ષણ વ્‍યવસ્‍થાએ પ્રમાણપત્ર અથવા ડિગ્રી ધરાવતા યુવાનો તો તૈયાર કર્યા છે, પરંતુ તેઓ કર્મચારી તરીકે પોતાની જવાબદારી સંભાળવા અથવા પોતાનું કામ શરૂ કરવા માટે હજુ પૂરતા તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે, આ જ બાબતમાં સુધારો કરવાની જરૂર છે.

નીતિ આયોગે જણાવ્‍યું હતું કે ભારતમાં વ્‍યાવસાયિક કૌશલ્‍ય તાલીમ અને વૈકલ્‍પિક શિક્ષણ માર્ગો સામે લાંબા સમયથી સામાજિક પૂર્વગ્રહ છે. તેના કારણે યુવાનો ટેકનિકલ તાલીમ, આઈટીઆઈ અને ડિપ્‍લોમા અભ્‍યાસક્રમો પસંદ કરતા અચકાય છે. માતા-પિતા, મિત્રો અને વિદ્યાર્થીઓમાં આવા અભ્‍યાસક્રમોને નીચલા સ્‍તરના અથવા બીજા દરજ્‍જાના વિકલ્‍પો તરીકે જોવાની માનસિકતા જોવા મળે છે.

આયોગે જણાવ્‍યું હતું કે યુવાનોને યોગ્‍ય અભ્‍યાસક્રમો અને તાલીમ કાર્યક્રમોની માહિતી ન મળવી પણ સમસ્‍યાને વધુ ગંભીર બનાવે છે. અહેવાલ અનુસાર, આશરે ૪૭ ટકા મહિલાઓ અને ૪૩ ટકા યુવાનો આ શ્રેણીમાં છે.

નીતિ આયોગના અહેવાલમાં બોસ્‍ટન કન્‍સલ્‍ટિંગ ગ્રુપના ઉચ્‍ચ શિક્ષણ સર્વેક્ષણના પગાર સંબંધિત આંકડાઓ પણ ટાંકવામાં આવ્‍યા છે. આ આંકડા અનુસાર, કૌશલ્‍ય તાલીમ વિના સામાન્‍ય સ્‍નાતક ડિગ્રી મેળવનાર વ્‍યક્‍તિનો સરેરાશ પ્રારંભિક પગાર દર મહિને રૂ. ૨૨,૦૦૦ હોય છે અને તેમાં વાર્ષિક ૩.૨ ટકાના દરે વધારો થાય છે. જ્‍યારે સામાન્‍ય સ્‍નાતક ડિગ્રી સાથે કૌશલ્‍ય તાલીમ મેળવનાર વ્‍યક્‍તિનો પ્રારંભિક સરેરાશ પગાર દર મહિને રૂ. ૨૯,૦૦૦ હોય છે અને તેમાં પણ વાર્ષિક ૩.૨ ટકાના દરે વધારો થાય છે

(3:25 PM IST)