યુપી ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના ચૂંટણી વચનોનો મોટો ધમાકો: મહિલાઓને વાર્ષિક ₹૪૦,૦૦૦ ની સહાય, મફત બસ મુસાફરી અને વિદ્યાર્થીનીઓને લેપટોપ આપવાની જાહેરાત!
રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ ડિમ્પલ યાદવ અને અખિલેશે રજૂ કર્યું 'સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના' નું કાર્ડ; ૨૬,૦૦૦ બંધ શાળાઓ ફરી ખોલવા અને કામકાજી મહિલાઓને મહિને ૨ દિવસની રજા આપવાનું વચન

લખનૌ : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ અત્યારથી જ ગરમાવા લાગ્યો છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે યોગી સરકાર દ્વારા મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત સામે સમાજવાદી પાર્ટી (સપા) એ મહિલા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી વચનોનો મોટો મારો ચલાવ્યો છે. લખનૌ ખાતે યોજાયેલી એક વિશેષ પત્રકાર પરિષદમાં સપા નેતા અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે 'સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના' ની જાહેરાત કરતાં વચન આપ્યું હતું કે જો રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો દરેક મહિલાને દર વર્ષે ૪૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં પ્રતિવર્ષ વધારો પણ કરાશે.
આ જાહેરાત દરમિયાન કૈરાનાના સાંસદ ઇકરા હસન, મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ અને પક્ષની મહિલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સપા નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના "PDA" (પિછડા, દલિત, અલ્પસંખ્યક) નારામાં "A" નો અર્થ 'અડધી વસ્તી' એટલે કે મહિલાઓ પણ થાય છે.
સમાજવાદી પાર્ટીના મુખ્ય ચૂંટણી વચનો:
- શિક્ષણ અને લેપટોપ: ઇન્ટરમીડિયેટ (ધોરણ ૧૨) પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને મફત લેપટોપ આપવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓ માટે શાળા-કોલેજ જવા માટે મફત મેટ્રો પાસ અને બસ મુસાફરીની સુવિધા મળશે.
- શાળાઓ અને હોસ્પિટલો: રાજ્યમાં બંધ થઈ ગયેલી તમામ ૨૬,૦૦૦ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ફરીથી ખોલવામાં આવશે. દરેક જિલ્લામાં સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને વૃદ્ધાશ્રમો સ્થાપવામાં આવશે.
- ફી માફી અને આવાસ: સરકારી શાળાઓમાં છોકરીઓ માટે સંપૂર્ણ ફી માફી અને ખાનગી શાળાઓમાં ફી અડધી કરવામાં આવશે. દરેક વિધવા અને નિરાધાર મહિલાને 'લોહિયા આવાસ' યોજના હેઠળ મકાન અપાશે.
- કામકાજી મહિલાઓ માટે રજા: તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની ઓફિસોમાં મહિલા કર્મચારીઓ માટે દર મહિને ૨ દિવસની વિશેષ કેઝ્યુઅલ રજા ફરજિયાત બનાવવામાં આવશે.
અખિલેશ યાદવનો સીએમ યોગી પર કટાક્ષ:
પત્રકાર પરિષદમાં સમાજવાદી પાર્ટીના અગ્રણી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મહિલાઓની સક્રિય ભાગીદારી વિના દેશ કે રાજ્યની પ્રગતિ અશક્ય છે. તેમણે પોતાની અગાઉની સરકારમાં શરૂ કરાયેલી '૧૦૯૦ હેલ્પલાઇન' અને 'ડાયલ ૧૦૦' સેવાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર તીખો કટાક્ષ કરતા અખિલેશે કહ્યું કે, "સરકાર ટેબ્લેટ અને ગોળીઓ વહેંચવાની વાતો કરે છે, પરંતુ ભૂતકાળમાં જે વહેંચાયું તેનું શું ભાગ્ય થયું તે સૌ જાણે છે." આ સાથે જ તેમણે શાસક પક્ષ ભાજપને આગામી ચૂંટણીથી જ મહિલા અનામત કાયદો લાગુ કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને દાવો કર્યો હતો કે સપા ભાજપ કરતાં પણ વધુ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
