<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળમાં પૂરનો મહાવિનાશ: ૪૦૦થી વધુ પ્રવાસીઓ ગુમ, ૧૦૫ ભારતીયો ફસાયા; પીએમ મોદીએ બાલેન શાહ સાથે કરી વાત, આપી મદદની ખાતરી

તિબેટ સરહદે આવેલા રાસુવામાં ભોટે કોશી નદીના રૌદ્ર સ્વરૂપે મચાવી તબાહી: હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ધ્વસ્ત, ભારત-નેપાળ રેસ્ક્યૂ ટીમ એક્શનમાં

નવી દિલ્હી, તા.૨૬: નેપાળમાં પ્રકૃતિએ સર્જેલા ત્રાસદીના દ્રશ્યો સામે આવ્યા છે. તિબેટ સરહદ નજીક આવેલ રાસુવા જિલ્લામાં અચાનક આવે પૂરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભોટે કોશી નદીના ઉભરાતા પાણીએ કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયાના અહેવાલ છે. આ મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી સંવેદના વ્યક્ત કરી છે અને ભારત તરફથી તમામ શક્ય માનવતાવાદી તથા રાહત સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

 

પીએમ મોદીની એકતા અને સહાયની ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીતની વિગતો શેર કરતા લખ્યું કે, નેપાળમાં પૂરના કારણે થયેલી જાનમાલની ખુવારી પર તેઓ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારતના ૧૪૦ કરોડ નાગરિકો નેપાળના ભાઈઓ અને બહેનો સાથે મજબૂતીથી ઊભા છે. ભારત-ネપાળની સંયુક્ત ટીમો હાલ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહી છે.

 

૧૦૫ ભારતીયો અને એનઆરઆઈ સહિત ૩૮૪ પ્રવાસીઓ ગુમ

નેપાળ ટુરિઝમ બોર્ડ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ પૂરના કારણે અત્યાર સુધીમાં ૩૮૪ પ્રવાસીઓ ગુમ થયા છે. જેમાં ૨૯૧ વિદેશી નાગરિકો અને ૯૩ નેપાળીઓનો સમાવેશ થાય છે. ચિંતાજનક વાત એ છે કે ગુમ થયેલા લોકોમાં ૧૦૫ ભારતીયો અને ૩૭ એનઆરઆઈ (NRI) પણ સામેલ છે. અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિતના અન્ય દેશોના પ્રવાસીઓ પણ આ પૂરની ઝપેટમાં આવ્યા છે.

 

જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ભારે નુકસાન

અચાનક આવેલા આ જળપ્રલયને કારણે રાસુવા, ધાડિંગ અને કાઠમંડુ નજીકના નુવાકોટ જિલ્લામાં ભારે વિનાશ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ ઓછામાં ઓછા એક ડઝન જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થિતિને પહોંચી વળવા નેપાળ સરકારે ટોલ-ફ્રી નંબર ૧૨૩૪ અને હોટલાઇન નંબર ૧૧૪૪ જારી કરીને ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે.

(5:33 PM IST)