News of Wednesday, 26th August 2026
મનુસ્મૃતિ સામેનો દુષ્પ્રચાર અને વાસ્તવિકતા: પશ્ચિમી દેશો કરતાં સદીઓ પહેલાં ભારતીય પરંપરાએ સ્ત્રીઓને આપ્યું હતું સર્વોચ્ચ સન્માન
સંદર્ભ વિના ટાંકવામાં આવેલા શ્લોકો અને રાજકીય ષડયંત્રોથી ફેલાવાઈ ગેરસમજ: 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે'નો સાચો અર્થ સમજવો વર્તમાન સમયની મોટી જરૂરિયાત

અમદાવાદ, તા.૨૬: આજના આધુનિક શિક્ષણ યુગમાં શાળા-કોલેજના યુવાનોમાં મનુસ્મૃતિ પ્રત્યે એક ચોક્કસ પૂર્વગ્રહ વ્યાપેલો જોવા મળે છે. સામાન્ય રીતે એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે કે મનુસ્મૃતિ એક જૂનવાણી, પછાત અને જાતિવાદી ગ્રંથ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પશ્ચિમી વિશ્વ જ્યારે સ્ત્રી અધિકારોથી જોજનો દૂર હતું, ત્યારે ભારતે નારીને સર્વોચ્ચ આદર આપ્યો હતો. પશ્ચિમી દેશોમાં સ્ત્રીઓને મતાધિકાર મેળવવા માટે સદીઓ સુધી લડાઈઓ લડવી પડી હતી. ઉદાહરણ તરીકે, ૪ જુલાઈ ૧૭૭૬ના રોજ આઝાદ થયેલા અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર મેળવવામાં ૧૯૨૦ સુધી રાહ જોવી પડી અને દોઢસો વર્ષ લડવું પડ્યું. તેની સામે ભારતીય બંધારણે પ્રથમ દિવસથી જ સ્ત્રી-પુરુષને સમાન મતાધિકાર આપ્યો છે, કારણ કે નારી સન્માન આપણી સંસ્કૃતિના લોહીમાં વણાયેલું છે.
શ્લોકનું સાચું અર્થઘટન: પૂજા એટલે સત્કાર અને સન્માન
મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયના ૫૬મા શ્લોક "યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ" અંગે ભારે ભ્રમણા ફેલાવાઈ છે. આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના પ્રતિષ્ઠિત ભાષ્યકાર ડૉ. સુરેન્દ્ર કુમાર દર્શાવે છે કે અહીં 'પૂજા'નો અર્થ કોઈ વિધિ-વિધાન નથી પરંતુ 'સત્કાર અને સન્માન' છે, જ્યારે 'દેવતા'નો અર્થ 'દિવ્યગુણ, ઉત્તમ સંતતિ અને સુખ-શાંતિ' થાય છે.
જ્યાં નારીનો સત્કાર થાય છે, ત્યાં પરિવારમાં સુખ, શાંતિ અને ઐશ્વર્ય ખીલે છે. મનુસ્મૃતિમાં નારીને ઘરની અધિષ્ઠાત્રી દેવી અને સંતતિની નિર્માત્રી ગણાવાઈ છે. મનુસ્મૃતિ વિશેના વિવાદો મોટે ભાગે રાજકીય હેતુઓથી પ્રેરિત (Politically Motivated) છે.
કાળજીપૂર્વક સમજવાની જરૂર: શાશ્વત મૂલ્યો અને પ્રક્ષિપ્ત શ્લોકો
હિન્દુ સમાજ હંમેશાં ઉદાર અને પરિવર્તનશીલ રહ્યો છે. મનુસ્મૃતિ એ એક માનવધર્મ અને વ્યાવહારિક કાયદાશાસ્ત્રનો ગ્રંથ છે. સમય બદલાતાં વ્યવહારિક નિયમો બદલાય તે સ્વાભાવિક છે. જેમ કે, પ્રાચીન કાળમાં ૨૫ વર્ષ બ્રહ્મચર્ય અને ૭૫ વર્ષ પછી સંન્યાસનો નિયમ હતો, પરંતુ આજે સમય અનુસાર તેમાં ફેરફારો સહજ સ્વીકારાયા છે.
ભાષાવિજ્ઞાનના વિદ્વાનો જણાવે છે કે મનુસ્મૃતિમાં કેટલાક શ્લોકો પાછળથી અન્ય લોકો દ્વારા ઉમેરવામાં આવ્યા છે (પ્રક્ષિપ્ત છે), જે વેદ વિરોધી છે. મૂળ મનુસ્મૃતિ સનાતન મૂલ્યોની પક્ષધર છે.
"વાણીથી ઉદ્ભવતી સંપદાની તસ્કરી કરવાવાળો, તમામ ચોરોમાં સૌથી મોટો ચોર છે."
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
