<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

મુંબઈ રેલવે સ્ટેશનો પર કેટરિંગ સ્ટાફ માટે નવો ડ્રેસ કોડ: પશ્ચિમ રેલવેએ લાલ-કાળો યુનિફોર્મ, હેન્ડ ગ્લોવ્ઝ અને હેર નેટ કર્યા ફરજિયાત!

૧૦ સપ્ટેમ્બરથી મુંબઈ ડિવિઝનના તમામ લાયસન્સ ધરાવતા કેટરિંગ સ્ટાફ માટે નવા નિયમો લાગુ: નિયમોનો અનાદર કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

મુંબઈ : મુંબઈના રેલવે સ્ટેશનો પર મળતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતામાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેએ (Western Railway) એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુંબઈ ડિવિઝન હેઠળના તમામ લાયસન્સ ધરાવતા કેટરિંગ સ્ટોલ અને યુનિટ્સમાં કામ કરતા સ્ટાફ માટે હવે ચોક્કસ યુનિફોર્મ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬થી ખોરાક પીરસતી વખતે ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્ઝ અને હેર નેટ પહેરવાનું પણ ફરજિયાત રહેશે.

 

બોઈસર ઘટના બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું

તાજેતરમાં બોઈસર સ્ટેશન પર એક કેટરિંગ આઉટલેટ પર છાપાના કાગળ (Newspaper) માં વીંટીને સમોસા વેચવામાં આવતા હોવાનું સામે આવ્યા બાદ રેલવે તંત્રે કડક કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ ખોરાકની સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ રેલવે મેનેજર આદિશ પઠાણિયાએ તમામ લાયસન્સ ધારકોને નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યા છે.

 

કેવો રહેશે નવો યુનિફોર્મ ડ્રેસ કોડ?

રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, કેટરિંગ સ્ટાફે નીચે મુજબનો ગણવેશ પહેરવો પડશે:

 

  • ટી-શર્ટ: લાલ રંગનું પોલો ટી-શર્ટ, જેમાં કાળું કોલર, કાળા બટન અને કાળા બોર્ડરવાળા સ્લીવ્ઝ તથા ચેસ્ટ પોકેટ હશે.

  • ટ્રાઉઝર અને એપ્રોન: કાળું ફૂલ ટ્રાઉઝર (પેન્ટ) અને કાળા રંગનું હાફ-એપ્રોન.

  • પગથાર: કાળા રંગના બૂટ/ચંપલ.

યુનિફોર્મ એકદમ સાફ, વ્યવસ્થિત પ્રેસ (ઈસ્ત્રી) કરેલો હોવો જરૂરી છે.

 

૧૦ સપ્ટેમ્બરથી અમલ, ઉલ્લંઘન કરનાર પર થશે દંડાત્મક કાર્યવાહી

આ નવા નિયમો ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬થી અમલમાં આવશે. જો કોઈ સ્ટાફ કે લાયસન્સ ધારક આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેશન કમર્શિયલ મેનેજર્સ અને કમર્શિયલ ઈન્સ્પેક્ટર્સને દરરોજ ચેકિંગ કરીને સીધો રિપોર્ટ ડિવિઝનલ ઓફિસ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલાથી મુંબઈ રેલવે સ્ટેશનો પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણમાં ખોરાક મળી રહેશે.

(6:20 PM IST)