<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

છત્તીસગઢ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: "ગર્ભપાત રજાને પ્રસૂતિ રજા સાથે ન સરખાવી શકાય"

કામ કરતી મહિલાઓના અધિકારોનું રક્ષણ કરતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ગર્ભપાત અને પ્રસૂતિ રજા બંને અલગ કાયદાકીય અધિકારો છે : કોઈપણ કંપની અપૂરતી રજાનું બહાનું બતાવીને મહિલાઓને માતૃત્વના લાભોથી વંચિત રાખી શકે નહીં

બિલાસપુર છત્તીસગઢ હાઈકોર્ટે નોકરી કરતી મહિલા કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ રમેશ સિંહા અને જસ્ટિસ રવિન્દ્ર કુમારની ડિવિઝન બેન્ચે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગર્ભપાત દરમિયાન લેવાયેલી રજા અને પ્રસૂતિ રજા બંને સંપૂર્ણપણે અલગ છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે કોઈ પણ સંસ્થા કે કંપની અપૂરતી લીવ બેલેન્સનું બહાનું કાઢીને મહિલા કર્મચારીને તેના બંધારણીય અને કાયદાકીય માતૃત્વ અધિકારોથી વંચિત રાખી શકે નહીં.

આ સમગ્ર મામલો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ની મહિલા કર્મચારી કિરણ ગૌતમ શર્મા સાથે જોડાયેલો છે. વર્ષ ૨૦૧૯માં કિરણ ગૌતમ જોડિયા બાળકોથી ગર્ભવતી હતી. ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર તબીબી જટિલતાઓને કારણે એપ્રિલ મહિનામાં એક ગર્ભનો ગર્ભપાત થઈ ગયો હતો. બાળકની જિંદગી બચાવવા માટે તબીબોએ તેમને સખત બેડરેસ્ટ અને સારવારની સલાહ આપી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં તેમણે એક સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો હતો. ગર્ભપાતની તકલીફ અને બાળકીના જન્મ દરમિયાન તેમણે કાયદા મુજબ મળવાપાત્ર રજાઓ અને સારવારના ખર્ચ માટે વિનંતી કરી હતી.

જોકે, સંવેદનહીન વલણ અપનાવીને FCI એ તેમની ૬૮ દિવસની રજાને "અસાધારણ રજા"  ગણીને પગાર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને બદલામાં પગારમાંથી ₹૮૦,૨૫૪ કાપી લીધા હતા. આ અન્યાય સામે મહિલા કર્મચારીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે FCI ની અપીલને ફગાવી દેતાં આકરા શબ્દોમાં સંસ્થાની ઝાટકણી કાઢી હતી. અદાલતે મહિલાના પક્ષમાં આદેશ આપતાં કાપી લીધેલી રકમ પરત કરવાનો અને ૯૦ દિવસની રજાનો સંપૂર્ણ પગાર ચૂકવવાનો હુકમ કર્યો છે, જેનાથી દેશભરની મહિલા કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

(6:28 PM IST)