<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભારતે ફરી બતાવી ઉદારતા: નેપાળમાં કુદરતી આફતમાં ફસાયેલા સૌથી વધુ ભારતીયો અને સ્થાનિકો માટે પીએમ મોદીએ મોકલી તાત્કાલિક રાહત સામગ્રી

ભારત સરકારે પાડોશી ધર્મ નિભાવીને ભારતીય વાયુસેનાના વિમાનો અને જમીની માર્ગો દ્વારા ખોરાક, દવાઓ, તંબુ અને આશ્રય કિટ્સ સહિતની મોટા પાયે રાહત સામગ્રી રવાના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

કાઠમંડુ :  નેપાળ-ચીન સરહદ નજીક આવેલા રસુવાગઢી વિસ્તારમાં લહેન્ડે અને ભોટેકોશી નદીઓના રૌદ્ર સ્વરૂપ અને અચાનક આવેલ પ્રચંડ પૂરે કલ્પના ન કરી શકાય તેવી તબાહી મચાવી છે. પૂરમાં રસ્તાઓ અને પુલો વહી જવાથી અનેક ગામડાઓ સંપર્કવિહોણા બની ગયા છે. આ ભયાનક આપત્તિ વચ્ચે કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રાએ ગયેલા ૧૦૦થી વધુ ભારતીય નાગરિકો સહિત સેંકડો લોકો ત્યાં ફસાયા છે. મુશ્કેલીની આ ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળને તમામ શક્ય સહાય મોકલવાની ખાતરી આપીને ‘મોટા ભાઈ’ અને સચ્ચા પાડોશી તરીકેની પોતાની ફરજ પુનઃ નિભાવી છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી સ્થિત ભારતીય વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ કાઠમંડુ વહીવટીતંત્ર અને ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રસુવાગઢીમાં ફસાયેલા ભારતીય યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોના લોકેશન પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવા ભારતીય વાયુસેનાના ખાસ વિમાનો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કટોકટીની દવાઓ, ફર્સ્ટ એઇડ કિટ્સ, રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ, બાળકો માટે દૂધ પાવડર, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ, કામચલાઉ તંબુ અને ધાબળા જેવી જીવનજરૂરી સામગ્રી તાત્કાલિક ધોરણે મોકલવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આપત્તિના સમયે નેપાળ માટે ભારત હંમેશા 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે આગળ આવ્યું છે. વર્ષ ૨૦૧૫ના વિનાશક ભૂકંપ વખતે ભારતે હાથ ધરેલું 'ઓપરેશન મૈત્રી' આજે પણ માનવતાવાદી રાહતકાર્યોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાય છે. જ્યારે પણ નેપાળમાં કુદરતી હોનારત સર્જાઈ છે ત્યારે ભારતે કોઈ પણ વિલંબ વગર મજબૂત સહયોગ આપ્યો છે. આ વખતે પણ ભારતીય એજન્સીઓ દ્વારા મોકલવામાં આવી રહેલી મેડિકલ ટીમો અને રાહત સામગ્રી ફસાયેલા સેંકડો લોકો માટે સંજીવની સમાન પુરવાર થશે.

(6:28 PM IST)