<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

દિગ્વિજય સિંહ શિક્ષક ભરતી આંદોલનમાં જોડાયા: "હું 80 વર્ષનો યુવાન છું, શિક્ષકોના હક માટે ભૂખ હડતાળ કરીશ"

ભોપાલમાં શિક્ષક ભરતી ૨૦૨૫ના ઉમેદવારોની જગ્યાઓ વધારવાની વાજબી માંગ સામે ભાજપ સરકારના મૌનથી રાજકારણ ગરમાયું : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું

ભોપાલ :  મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના નીલમ પાર્કમાં છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષક ભરતી ૨૦૨૫માં ખાલી જગ્યાઓ વધારવાની માંગ સાથે શિક્ષક ઉમેદવારોનું અચોક્કસ મુદતનું આંદોલન ચાલી રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા ઉમેદવાર નરેન્દ્ર રાજપૂતની તબિયત અચાનક લથડતા પોલીસે તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગરમ વાતાવરણ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પૂર્વ મંત્રી પી.સી. શર્મા સાથે આંદોલનસ્થળે પહોંચ્યા હતા અને ઉમેદવારોને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

ધરના સ્થળે હાજર મહિલા ઉમેદવારોએ દિગ્વિજય સિંહને રાખડી બાંધીને પોતાના ભાઈ તરીકે રક્ષણ અને ન્યાયની માંગ કરી હતી. ઉમેદવારોને સંબોધતા દિગ્વિજય સિંહે જોરદાર હુંકાર કરતાં કહ્યું કે, "હું ૮૦ વર્ષનો યુવાન છું અને તમારી ન્યાયી લડાઈ લડવા સંપૂર્ણ તૈયાર છું." તેમણે ભાજપ સરકારને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે જો ૫ સપ્ટેમ્બર, 'શિક્ષક દિવસ' સુધીમાં આ શિક્ષક ઉમેદવારોની વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ પોતે ૨૪ કલાકની ભૂખ હડતાળ પર બેસશે.

પોતાના કાર્યકાળના શિક્ષણ સુધારા અને સત્તાના વિકેન્દ્રીકરણને યાદ કરતા તેમણે કહ્યું કે, "મારા જીવનમાં શિક્ષણ અને આરોગ્ય હંમેશા પ્રાથમિકતા રહ્યા છે. અમે ભોપાલથી સત્તા છીનવીને ગ્રામીણ સ્તરે આપી હતી અને ૬ મહિનામાં ૪૫,૦૦૦ શાળાઓ ખોલીને સ્થાનિક લોકોને રોજગાર આપ્યો હતો. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે ૧૩,૦૦૦ પદોની સામે માત્ર ૭,૦૦૦ પદો પર ભરતી કરીને યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે." વ્યાપમ કૌભાંડ અને નવી પરીક્ષાઓના નામે લાદવામાં આવતા નિયમોની ટીકા કરી તેમણે ઉમેદવારો સાથે છેલ્લી ઘડી સુધી લડી લેવાની ખાતરી આપી હતી.

(6:29 PM IST)