News of Wednesday, 26th August 2026
"હું અલગ રૂમમાં રહું છું, મારી પત્ની અલગ રૂમમાં રહે છે..." શું આ છૂટાછેડાનું કારણ બની શકે? કર્ણાટક હાઇકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો!
એક જ ઘરમાં પતિ-પત્નીનું અલગ રૂમમાં સૂવું એ પોતે માનસિક ક્રૂરતા નથી: પરંતુ સતત કલેશ અને સંબંધોનો તણાવ છૂટાછેડા માટે માન્ય ગણાશે

બેંગલુરુ : શું એક જ ઘરમાં રહેતા પતિ-પત્ની જો અલગ-અલગ રૂમમાં સૂતા હોય, તો તેને માનસિક ક્રૂરતા ગણીને છૂટાછેડા આપી શકાય? આ મહત્વપૂર્ણ કાનૂની પ્રશ્ન પર કર્ણાટક હાઇકોર્ટે એક અત્યંત રસપ્રદ અને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, માત્ર અલગ રૂમમાં રહેવું કે સૂવું એ એકલું છૂટાછેડાનું કે માનસિક ક્રૂરતાનું કારણ બની શકતું નથી.
શું હતો સમગ્ર મામલો અને કોર્ટનું વલણ?
જસ્ટિસ ડી. કે. સિંહ અને જસ્ટિસ એચ. શાંતિ ભૂષણની બેન્ચે ફેમિલી કોર્ટના છૂટાછેડાના નિર્ણયને પડકારતી પતિની અપીલ ફગાવી દેતા આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, અલગ રૂમમાં રહેવાના કારણો અને વૈવાહિક સંબંધોની સમગ્ર પરિસ્થિતિની તપાસ કરવી અત્યંત જરૂરી છે. માત્ર અલગ ઓરડામાં રહેવાથી કાનૂની રીતે ક્રૂરતા સાબિત થતી નથી.
તો આ કેસમાં છૂટાછેડા કેમ માન્ય રખાયા?
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં માત્ર 'અલગ રૂમ' એ જ કારણ નહોતું, પરંતુ દંપતી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ગંભીર વિવાદ જવાબદાર હતો:
- સતત કલેશ અને વ્યસન: પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને પત્ની પર માનસિક-ભાવનાત્મક અત્યાચાર થતો હતો. ઉપરાંત, પતિએ દારૂ, ધૂમ્રપાન અને ગૂટખાના સેવનની કબૂલાત કરી હતી.
- સમાધાનના પ્રયાસો નિષ્ફળ: દંપતી વચ્ચે અનેક વાર સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં સંબંધો સુધર્યા નહોતા અને તેઓ લાંબા સમય સુધી અલગ જ રહ્યા હતા.
કોર્ટનું મહત્વપૂર્ણ તારણ
હાઇકોર્ટે અવલોકન કર્યું કે જ્યારે વારંવારના સંઘર્ષો, કડવાશ, ભાવનાત્મક અંતર અને સંબંધોનું તૂટવું લાંબા સમય સુધી ચાલુ રહે છે, ત્યારે તે તમામ સંજોગોની સંયુક્ત અસરને 'માનસિક ક્રૂરતા' ગણી શકાય. એકલી ઘટના નહીં, પરંતુ પરિસ્થિતિઓનો આખો સરવાળો છૂટાછેડાનો મુખ્ય આધાર બન્યો હતો.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
