News of Wednesday, 26th August 2026
ચીનની બેદરકારી કે મોટો વિશ્વાસઘાત? નેપાળને પૂરનું એલર્ટ ૪૫ મિનિટ મોડું મળતા સરહદી વિસ્તારમાં સર્જાઈ ભારે તારાજી!
તિબેટમાં ગ્લેશિયર ફાટતાં ભોટે કોશી નદીમાં પ્રચંડ પૂર: ચીને સમયસર માહિતી ન આપતાં નેપાળે ગુમાવ્યા અનેક નિર્દોષ જીવ, હિમાલયન પ્રોટોકોલ સામે ઊઠ્યા ગંભીર સવાલો

કાઠમંડુ : હિમાલયી દેશ નેપાળમાં ચીનની ઘોર બેદરકારીના કારણે મોટો માનવસર્જિત વિનાશ સર્જાયો છે. તિબેટના કેરુંગ ક્ષેત્રમાં અચાનક આવેલી કુદરતી આફત અંગે ચીને સમયસર નેપાળને કોઈ આગોતરી ચેતવણી (Early Warning) ન આપતાં સરહદી વિસ્તારમાં ભારે વિનાશ વેરાયો છે. પૂરના વાયરલ વિડીયોમાં ઘડીના છઠ્ઠા ભાગમાં બધું જ તબાહ થતું જોઈ શકાય છે. જો ચીને ૪૫ મિનિટ પહેલાં એલર્ટ આપ્યું હોત તો સેંકડો લોકોના જીવ બચાવી શકાયા હોત.
સમયના અંતરનો લાભ ન મળ્યો, જીવ બચાવવા લોકો ભાગ્યા
તિબેટ અને નેપાળના ટાઈમ ઝોનમાં ૨ કલાક ૧૫ મિનિટનો તફાવત છે. ચીનના સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે પાણીનું સ્તર અચાનક વધ્યું હતું, જ્યારે નેપાળમાં તે સમયે સવારના ૮:૧૫ વાગ્યા હતા. રસુવાના ટિમુરે ક્ષેત્રના સ્થાનિક લોકોએ કેરૂંગ તરફથી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવતો જોયો અને જીવ બચાવવા માટે અફરાતફરી મચી ગઈ. નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીન તરફથી આ ગંભીર ચેતવણી ૪૫ મિનિટના મોડપણા સાથે મળી હતી, જેના કારણે રાહત અને બચાવ કાર્ય કરવાનો કોઈ સમય જ ન મળ્યો.
સતત બીજા વર્ષે ચીનની આવી જ ગુસ્તાખી
રસુવાના જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે ખુલાસો કર્યો હતો કે આ પૂર તિબેટમાં ગ્લેશિયર (હિમનદી) ફાટવાના કારણે આવ્યું હોવાની આશંકા છે. આશ્ચર્યજનક વાત એ છે કે ચીને આવી બેદરકારી પહેલીવાર નથી દાખવી. ગયા વર્ષે પણ ભોટે કોશી નદીમાં જ્યારે હિમનદી તળાવ (Glacial Lake) ફાટવાથી પૂર આવ્યું હતું, ત્યારે પણ ચીની અધિકારીઓએ નેપાળને સમયસર કોઈ જ અપડેટ આપ્યા નહોતા.
દ્વિપક્ષીય સુરક્ષા પ્રોટોકોલ ધ્વસ્ત
તિબેટમાંથી નીકળીને નેપાળમાં પ્રવેશતી ભોટે કોશી અને ત્રિશૂલી નદીનો પહાડી વિસ્તાર ભૂસ્ખલન અને પૂર માટે અત્યંત સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં બે દેશો વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી શેર કરવાનો પ્રોટોકોલ હોય છે. પરંતુ ચીને સતત બીજા વર્ષે નેપાળ સાથે માહિતી શેર ન કરીને કૂટનીતિક અને નૈતિક ક્ષમતા પર મોટો પ્રશ્નાર્થચિહ્ન ઊભો કરી દીધો છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
