<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

"નોકરીઓ મશીનો નહીં પણ માણસો માટે અનામત રાખો!" એઆઈ (AI) ના ખતરા સામે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે આપી ચેતવણી

૬,૦૦૦ શબ્દોના લાંબા નિબંધમાં ગેટ્સનો સણસણતો સવાલ: મશીન કામ કરી શકે એટલે શું સમાજે તેને કરવાની મંજૂરી આપી દેવી જોઈએ?

ન્યૂયોર્ક : કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને રોબોટિક્સ ટેકનોલોજીના ઝડપી વિકાસ વચ્ચે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે એક ચોંકાવનારી હાકલ કરી છે. તેમણે જણાવ્યું છે કે જેમ આપણે પર્યાવરણને બચાવવા માટે 'કુદરતી અનામત' (Nature Reserves) બનાવીએ છીએ, તેમ હવે રોગચાળાની જેમ ફેલાઈ રહેલા ઓટોમેશનથી બચવા માટે ચોક્કસ નોકરીઓને ફક્ત મનુષ્યો માટે જ અનામત એટલે કે 'હ્યુમન રિઝર્વ' (Human Reserves) જાહેર કરવી પડશે.

 

‘ઘણી નોકરીઓ કાયમ માટે અદૃશ્ય થઈ જશે’

પોતાના ૬,૦૦૦ શબ્દોના વિશેષ નિબંધમાં ગેટ્સે સ્પષ્ટ ચેતવણી આપી છે કે AIના કારણે નજીકના ભવિષ્યમાં લાખો નોકરીઓ કાયમ માટે ખતમ થઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમુક સેવાઓ એવી છે જ્યાં તકનીક ગમે તેવી અદ્યતન થાય તો પણ માનવ સંવેદનાનું મૂલ્ય કોઈ મશીન બદલી શકે નહીં. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જો કોઈ રોબોટ દર્દીને અસાધ્ય રોગના સમાચાર આપે તે ટેકનિકલ રીતે શક્ય છે, પરંતુ નૈતિક રીતે તે ક્યારેય યોગ્ય ન ગણાય.

 

સરકારો AIના વાવાઝોડા સામે અપ્રિપક્વ

ગેટ્સે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વિશ્વભરની સરકારો AI દ્વારા આવનારા આર્થિક અને સામાજિક બદલાવોનો સામનો કરવા માટે બિલકુલ તૈયાર નથી. તેમણે ૧૧ સપ્ટેમ્બરના આતંકી હુમલા પછી અમેરિકાએ કરેલા નીતિગત ફેરફારોની યાદ અપાવીને કહ્યું કે, AI ની અસર માત્ર સુરક્ષા પૂરતી સીમિત નથી પરંતુ શિક્ષણ, કરવેરા, જાહેર આરોગ્ય, પરિવહન અને કાયદા અમલીકરણ જેવા તમામ ક્ષેત્રો પર પડવાની છે. આ માટે અમેરિકા અને ચીન વચ્ચે પણ ગ્લોબલ ફ્રેમવર્ક બનાવવા સહયોગ જરૂરી બનશે.

 

શિક્ષણ અને વિચારવાની ક્ષમતા પર જોખમ

નિબંધમાં શિક્ષણ ક્ષેત્રે AI ના દુરુપયોગ અંગે પણ લાલ બત્તી ધરવામાં આવી છે. સર્વેક્ષણોનો હવાલો આપતાં ગેટ્સે લખ્યું કે AI પર વધુ પડતા આધારને કારણે યુવાનોમાં ક્રિટિકલ થિંકિંગ (ગહન વિચારસરણી) ક્ષમતા ઘટી રહી છે. જે સાધન જ્ઞાન આપવા માટે બન્યું છે, તે જ લોકોને જાતે વિચારતા બંધ કરી રહ્યું છે. તેમણે અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે સમાજે નક્કી કરવું પડશે કે ટેકનોલોજી શું કરી શકે છે તેના કરતાં તેને શું કરવાની છૂટ આપવી જોઈએ.

(7:50 PM IST)