<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળમાં જળપ્રલય વચ્ચે ભારતીય પ્રવાસીઓ પર મોટું જોખમ: તામિલનાડુના ૫૦થી વધુ લોકો ફસાયા; દયાનિધિ મારન અને અંબુમણી રામદાસે કેન્દ્ર સરકાર પાસે માંગી તાત્કાલિક મદદ!

કૈલાશ માનસરોવર યાત્રા અર્થે ગયેલા શ્રદ્ધાળુઓ સાથેનો સંપર્ક તૂટતાં તામિલનાડુમાં ભારે ચિંતા: વિદેશ મંત્રી એસ. જયશંકર અને પીએમઓ (PMO) ને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવા આગ્રહભરી અપીલ

ચેન્નાઈ : નેપાળ અને તિબેટ સરહદ પર અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં તામિલનાડુના આશરે ૫૦થી વધુ શ્રદ્ધાળુઓ સહિત સેંકડો ભારતીય પ્રવાસીઓ ફસાઈ જતાં દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમકે (DMK) સાંસદ દયાનિધિ મારન અને પીએમકે (PMK) પ્રમુખ ડૉ. અંબુમણી રામદાસ સહિતના ટોચના નેતાઓએ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા વિનંતી કરી છે.

 

દયાનિધિ મારનનો વિદેશ મંત્રીને ઈમરજન્સી પત્ર

ચેન્નાઈ સેન્ટ્રલના સંસદ સભ્ય દયાનિધિ મારને તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નિર્દેશ હેઠળ વિદેશ મંત્રી એસ. જયશંકરને તાકીદનો પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળના રસ્તાઓ, પુલો અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે વિચ્છેદ થઈ ગઈ છે. તામિલનાડુના ઘણા પ્રવાસીઓ ગુમ હોવાથી તેમના પરિવારજનો ઘેરા આઘાત અને ચિંતામાં મુકાયા છે, જેથી કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસને તુરંત હિલચાલ કરવા આદેશ આપવામાં આવે.

 

કુંભકોણમ અને તંજાવુરના યાત્રાળુઓ સંકટમાં

બીજી તરફ પીએમકે નેતા ડૉ. અંબુમણી રામદાસ અને એએમએમકે (AMMK) નેતા ટી.ટી.વી. દિનાકરણે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કુંભકોણમ, તંજાવુર, તિરુવરુર અને મયિલાદુથુરાઈ વિસ્તારના ૪૦૦થી વધુ ભારતીયો ઉત્તર રાસુવા ક્ષેત્રમાં અટવાયા છે. જોકે તેમાંથી ૨૨ લોકોને સલામત સ્થળે ખસેડાયા હોવાના અહેવાલ છે, પરંતુ હજુ પણ અનેક લોકોના પતા મળ્યા નથી.

 

કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલનની માંગ

તમિલનાડુના નેતાઓએ વડાપ્રધાન કાર્યાલય (PMO) અને મુખ્યમંત્રી કાર્યાલયને અપીલ કરી છે કે વિદેશ મંત્રાલય અને નેપાળી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને હેલિકોપ્ટર અને એરલિફ્ટ દ્વારા ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે.

(8:06 PM IST)