<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

દર મહિને ₹૧.૮ લાખની કમાણી અને ₹૮૦ હજારની SIP છતાં પિતાના હોસ્પિટલના બિલ માટે ખિસ્સું ખાલી! બેંગલુરુના ટેકીની આ વાર્તા આંખો ખોલી દેશે

ઈમર્જન્સી ફંડના અભાવે આઈસીયુમાં ₹૨.૫ લાખ જમા કરાવવા માટે રાત્રે સંબંધીઓ પાસે હાથ લાંબો કરવો પડ્યો: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આર્થિક આયોજનની કડવી વાસ્તવિકતા

બેંગલુરુ : ભારેખમ પગાર અને દર મહિને સારું રોકાણ હોવાનો અર્થ એ નથી કે તમે દરેક મુશ્કેલી માટે તૈયાર છો. બેંગલુરુમાં એક ટેક કંપનીમાં કામ કરતા એન્જિનિયર સાથે બનેલી એક ઘટનાએ સમગ્ર આર્થિક આયોજન (Financial Planning) ના દાવાઓની પોલ ખોલી નાખી છે. દર મહિને ₹૧.૮ લાખનો જંગી પગાર મેળવતા અને ₹૮૦,૦૦૦ ની મજબૂત SIP કરતા આ કર્મચારીને જ્યારે પિતાની અચાનક તબિયત બગડતાં હોસ્પિટલમાં ₹૨.૫ લાખ જમા કરાવવાની જરૂર પડી, ત્યારે તેના સેવિંગ્સ એકાઉન્ટમાં માત્ર ₹૩૨,૦૦૦ જ હતા!

 

મોટો પગાર, પરંતુ ઈમર્જન્સી ફંડ શૂન્ય

આ ટેક પ્રોફેશનલે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરતાં જણાવ્યું હતું કે તે અત્યાર સુધી ખુબ આરામદાયક લાઈફસ્ટાઈલ જીવતો હતો. તે દર મહિને નિયમિત મોટા પાયે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતો હતો. પરંતુ તાજેતરમાં તેણે લેપટોપ ખરીદ્યું હોવાથી તેના ક્રેડિટ કાર્ડની લિમિટ પણ પૂરી થઈ ગઈ હતી અને બચત ખાતામાં મામૂલી રકમ પડી હતી. તેને એ વાતનો ખ્યાલ જ નહોતો કે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ગમે તેટલું મોટું હોય, પરંતુ તેને તાત્કાલિક રોકડમાં બદલવું એટલું સરળ હોતું નથી.

 

મધ્યરાત્રિએ હોસ્પિટલમાં ભીષણ નાણાકીય કટોકટી

બનાવની રાત્રે ૧:૩૦ વાગે તેના પિતા અચાનક બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ₹૨.૫ લાખ ડિપોઝિટ કરવા કહ્યું. મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા આવવામાં સમય લાગે તેમ હતો અને હેલ્થ ઈન્સ્યોરન્સની TPA પ્રક્રિયામાં પણ વિલંબ થઈ રહ્યો હતો. પરિણામે, મહિને લાખો કમાતો આ યુવક મધ્યરાત્રિએ લાચાર બની ગયો હતો અને આખરે તેણે મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માગવી પડી હતી.

 

રોકાણકારો માટે મોટો પાઠ: લિક્વિડિટી કેમ જરૂરી છે?

આ ઘટના એ વાતનો જીવંત પુરાવો છે કે માત્ર લાંબા ગાળાનું રોકાણ પૂરતું નથી, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે ઓછામાં ઓછું ૬ મહિનાના ખર્ચ જેટલું ઈમર્જન્સી ફંડ (Emergency Fund) રોકડ અથવા સરળતાથી ઉપાડી શકાય તેવા બચત ખાતા/એફડીમાં હોવું અત્યંત જરૂરી છે. ટેકનોલોજી અને ઈન્સ્યોરન્સના જમાનામાં પણ તાત્કાલિક રોકડ (Liquidity) ની જરૂરિયાતને ક્યારેય નકારી શકાય નહીં.

(8:11 PM IST)