<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

"ગેરકાયદે ઘૂસણખોરો આધાર કાર્ડ મેળવે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો!" બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કાયદામાં સુધારો કરવા આપ્યું મહત્વનું સૂચન

નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને રહેતા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશનિકાલ કરવા અને ફરીથી પ્રવેશ અટકાવવા માટે મજબૂત તંત્ર બનાવવાની માંગ: અફઘાન નાગરિકના કેસમાં હાઇકોર્ટની આકરી ટિપ્પણી

મુંબઈ : દેશની સરહદોમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને નકલી દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખ દસ્તાવેજો મેળવવાના વધતા જતાં બનાવો અંગે બોમ્બે હાઇકોર્ટે ભારે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દેશની આંતરિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પરિણામો સર્જી શકે છે. આ નબળાઈઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે કાયદાકીય જોગવાઈઓમાં સુધારો કરીને ઘૂસણખોરોને ઝડપથી શોધી કાઢવા અને દેશનિકાલ કરવા માટે સક્ષમ મિકેનિઝમ તૈયાર કરવું જોઈએ.

 

અફઘાન નાગરિકે બનાવટી દસ્તાવેજોથી મેળવ્યા ભારતીય પુરાવા

જસ્ટિસ અજય ગડકરી અને કમલ ખાતાની બેન્ચે એક અફઘાન નાગરિક માજિદ ખાન શાહ હજરત શાહ (ઉર્ફે મિરાજ તાહિર ખાન) સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું હતું. આ વિદેશી નાગરિક ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને વિઝાની મુદત પૂરી થયા પછી પણ પોતાનો મૂળ પાસપોર્ટ નષ્ટ કરીને અહીં ગેરકાયદે રોકાઈ ગયો હતો. તેણે બનાવટી કાગળોના આધારે ભારતીય પાસપોર્ટ અને ઓળખપત્રો પણ મેળવી લીધા હતા.

 

આંતર-એજન્સી સંકલન અને ચકાસણી પ્રક્રિયામાં મોટી ખામી

હાઇકોર્ટે નોંધ્યું હતું કે વિદેશી નાગરિકો ગેરકાયદે પ્રવેશ કરીને પોતાને ભારતીય નાગરિક તરીકે પ્રસ્થાપિત કરવા મૂળભૂત ઓળખ દસ્તાવેજો મેળવે છે અને કેટલાક કિસ્સાઓમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પણ સંડોવાય છે. બેન્ચે કહ્યું કે, આ પેટર્ન તપાસ એજન્સીઓ અને ચકાસણી પ્રક્રિયાઓ વચ્ચેના સંકલનમાં મોટી ખામી દર્શાવે છે. સમયસર કાર્યવાહી ન થવાને કારણે ગેરકાયદે ઘૂસણખોરીના નેટવર્કને પ્રોત્સાહન મળે છે.

 

તપાસ એજન્સીઓ અને UIDAI ને કોર્ટનો કડક આદેશ

હાઇકોર્ટે UIDAI ને આદેશ આપ્યો છે કે આરોપી દ્વારા સુપ્રત કરવામાં આવેલા તમામ નોંધણી દસ્તાવેજો બે અઠવાડિયામાં તપાસ એજન્સીને સોંપવામાં આવે. આ ઉપરાંત, ગૃહ મંત્રાલય, ઇમિગ્રેશન બ્યુરો અને રાજ્ય પોલીસને શંકાસ્પદ વ્યક્તિઓની નાગરિકતાની તાત્કાલિક ચકાસણી કરવા અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને ચાર અઠવાડિયામાં દેશનિકાલ (Deport) કરવાની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.

(8:41 PM IST)