<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ચીન-નેપાળ સરહદે ભયાનક જળપ્રલય: ૧૦૫ ભારતીયો સહિત ૪૦૦ ગુમ; ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને ઈમરજન્સી રેસ્ક્યૂ મોડમાં મૂકી!

ગ્યિરોંગ સરહદી વિસ્તારમાં વિનાશક ભૂસ્ખલન અને પૂરે મચાવી તબાહી: પીપલ્સ આર્મ્ડ પોલીસના જવાનો તૈનાત; ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા આદેશ

બીજિંગ : તિબેટમાં ચીન-નેપાળ સરહદે આવેલા સરહદી વિસ્તારોમાં અચાનક આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આફતમાં ૧૦૫ ભારતીયો અને ૩૭ એનઆરઆઈ (NRI) સહિત આશરે ૪૦૦ લોકો ગુમ થયા હોવાના અહેવાલથી ભારે સનસનાટી મચી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે કટોકટીના ધોરણે મોટા પાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે સશસ્ત્ર દળોને આદેશ આપ્યા છે.

 

૧૪૫ અધિકારીઓ અને સૈનિકોની રેસ્ક્યૂ ટીમ તૈનાત

ચીનના સરકારી મીડિયા મુજબ, બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ગ્યિરોંગ કાઉન્ટીના સરહદી વિસ્તારમાં ભારે ભૂસ્ખલન અને પૂરની ઘટના બની હતી. રાષ્ટ્રપતિ શીએ પીપલ્સ આર્મ્ડ પોલીસની શિગાઝે ટુકડીના ૧૪૫ અધિકારીઓ અને સૈનિકોને તાત્કાલિક અસરગ્રસ્ત સરહદી વિસ્તારોમાં રવાના કર્યા છે. જિનપિંગે ફસાયેલા લોકોને ઝડપથી એરલિફ્ટ કરવા, ગુમ થયેલાઓની શોધખોળ કરવા અને ઘાયલોને સમયસર સારવાર પૂરી પાડીને જાનમાલનું નુકસાન ઘટાડવા કડક નિર્દેશો આપ્યા છે.

 

જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ભારે નુકસાન, ૪ના મોત

તિબેટ અને મધ્ય નેપાળના સરહદી વિસ્તારોમાં આવેલા આ જળપ્રલયને કારણે નદી કિનારે આવેલી વસાહતો સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોતના સમાચારની પુષ્ટિ થઈ છે, જ્યારે એક ડઝન જેટલા હાઇડ્રોપાવર (જળવિદ્યુત) પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે.

 

આગામી જોખમો સામે આગોતરું આયોજન કરવા ભાર

રાષ્ટ્રપતિ શી જિનપિંગે કુદરતી આપત્તિઓ સામે ચેતવણી આપતી નિયંત્રણ પ્રણાલીઓને મજબૂત બનાવવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવ કામગીરી કરવા પર ભાર મૂક્યો છે. ચીનનો તિબેટ સ્વાયત્ત પ્રદેશ નેપાળ સાથે સીધી સરહદ ધરાવતો હોવાથી અનેક પ્રવાસીઓ અને વેપારીઓ આ ક્રોસિંગ નજીક ફસાયા છે, જ્યાં હાલ સેના દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.

(8:45 PM IST)