News of Wednesday, 26th August 2026
"મ્હારો ગોરબંદ નખરાલો..." રાજસ્થાનના જે ગીત પર આખું દેશ ઝૂમે છે, તેની પાછળ છુપાયેલી છે ઊંટના શણગાર અને અનોખા પ્રેમની કથા!
રણના વાહન ઊંટના ગળાના આભૂષણમાંથી જન્મેલું આ લોકગીત મહિલાઓની અથાક મહેનત, સંસ્કૃતિ અને પશુપ્રેમનું પ્રતીક: થાર અને શેખાવતીમાં આજે પણ ઘૂમે છે એ જ સૂર

જયપુર : જ્યારે પણ રાજસ્થાનની સંસ્કૃતિ અને રણપ્રદેશનો ઉલ્લેખ થાય, ત્યારે આંખો સામે સૌથી પહેલા ઊંટનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સમગ્ર દેશમાં પ્રખ્યાત રાજસ્થાની લોકગીત "મ્હારો ગોરબંદ નખરાલો..." કોઈ વ્યક્તિ માટે નહીં, પરંતુ ઊંટના ગળામાં બાંધવામાં આવતા એક સુંદર આભૂષણ પર રચાયેલું છે! આ ગીત માત્ર સંગીત નથી, પરંતુ એક પશુપાલક અને તેના ઊંટ વચ્ચેના અતૂટ બંધન અને સમર્પણની અમર વાર્તા છે.
શું છે 'ગોરબંદ'? ઊંટના ગળાનો વિશેષ શણગાર
રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં 'ગોરબંદ' એ ઊંટના ગળામાં પહેરાવવામાં આવતો એક પરંપરાગત હાર છે. થાર અને શેખાવતી પ્રદેશોમાં મહિલાઓ પોતાના ઘરના ઊંટ માટે જાતે જ આ ગોરબંદ તૈયાર કરે છે. કાચના ચમકતા ટુકડા, કોડીઓ (શેલ), રંગબેરંગી માળા, વિવિધ બટનો અને દોરાના ઉપયોગથી અઠવાડિયાની મહેનત બાદ આ આભૂષણ તૈયાર થાય છે. જેસલમેર અને બાડમેરમાં પોતાના ઊંટને આ રીતે શણગારવું એ ગર્વ અને આદરનું પ્રતીક ગણાય છે.
તીવ્ર ગરમીમાં પણ કલા પ્રત્યેનો પ્રેમ: "લાડલી લુમા-ઝુમા એ..."
મુખ્યત્વે પુષ્કર મેળો કે અન્ય તહેવારો વખતે ઊંટને શણગારતી વખતે મહિલાઓ ઉત્સાહભેર આ લોકગીત ગાતી હોય છે. ગીતના બોલ "લાડલી લુમા-ઝુમા એ, મારો ગોરબંદ નખરાલો..." માં "નખરાલો" નો અર્થ અત્યંત મોહક કે મનમોહક થાય છે. આ ગીતમાં મહિલાઓ વર્ણન કરે છે કે તેમણે જેઠ અને અષાઢ મહિનાની અસહ્ય ગરમી વચ્ચે પણ પોતાના ઊંટના શણગાર માટે આ ગોરબંદ કેવી રીતે ગૂંથ્યો છે.
લોકનૃત્ય અને પરંપરાનું આકર્ષણ
રાજસ્થાનમાં માત્ર ગીત જ નહીં, પરંતુ ગોરબંદ લોકનૃત્ય પણ ખૂબ લોકપ્રિય છે. ખાસ પ્રસંગોએ પરંપરાગત રાજસ્થાની ઘાઘરા-ચોલી પહેરીને મહિલાઓ જ્યારે આ ગીતના સૂર પર નૃત્ય કરે છે, ત્યારે તેમની મુદ્રાઓમાં ઊંટની ચાલ અને શણગારની ઝલક જોવા મળે છે. આમ, ગોરબંદ એ માત્ર એક દોરો કે કલા નથી, પરંતુ રણપ્રદેશના જીવન, હસ્તકલા અને પરંપરાની જીવંત ઓળખ છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
