News of Wednesday, 26th August 2026
મોંઘવારી સામે સરકારનો પ્રહાર: ખાંડ ₹૧૫ અને ડુંગળી ₹૮ સસ્તી થઈ : ગ્રાહકોને મોટી રાહત
સંગ્રહખોરો પર કેન્દ્રીય અને રાજ્ય ટીમોના ૧,૦૦૦થી વધુ દરોડા અને કડક સ્ટોક મર્યાદા બાદ બજારમાં ખાંડ અને ડુંગળીના ભાવ ગગડ્યા : ₹૩૫ પ્રતિ કિલોના ભાવે સરકારી ડુંગળી વેચાશે

નવી દિલ્હી: આસમાને પહોંચેલી મોંઘવારી પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે, જેના પરિણામે ખાંડ અને ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાંડનો એક્સ-મિલ ભાવ કિંમત ₹૬૮ પ્રતિ કિલોથી ઘટીને ₹૫૩-૫૫ સુધી પહોંચી ગયો છે, જ્યારે દેશના સૌથી મોટા ડુંગળી બજાર નાસિકમાં ડુંગળીના ભાવમાં ત્રણ જ દિવસમાં ₹૮ નો ઘટાડો નોંધાયો છે. સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે સરકારે જથ્થાબંધ વેપારીઓ પર સ્ટોક લિમિટ નક્કી કરી દીધી છે, જેથી સટોડિયાઓ બજારમાં પોતાનો સ્ટોક છોડવા મજબૂર બન્યા છે.
ખાંડના પુરવઠાને સંતુલિત કરવા માટે સરકારે ૩૦ નવેમ્બર સુધી વેપારીઓ માટે મહત્તમ ૪૦૦ ટનની હોલ્ડિંગ મર્યાદા નક્કી કરી છે. આ સાથે જ બંદરો પર જમા થયેલી ૩ થી ૪ લાખ ટન ખાંડનું રિફાઇનિંગ ઝડપી બનાવીને સ્થાનિક બજારમાં લાવવામાં આવી રહી છે. ૨૧ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ દરમિયાન દેશના મુખ્ય શહેરોમાં ખાંડના ક્વિન્ટલ દીઠ ભાવમાં ₹૬૦૦ થી ₹૯૦૦ સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં ખાંડના ભાવ ₹૬,૭૦૦ થી ઘટીને ₹૫,૮૦૦ પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.
બીજી તરફ, ડુંગળીના ભાવ પર અંકુશ મેળવવા માટે સરકારે ૧.૨૦ લાખ ટનના બફર સ્ટોકમાંથી સસ્તા દરે ડુંગળી બજારમાં ઉતારવાનો ફેંસલો કર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર દેશમાં ડુંગળીની કોઈ અછત નથી અને આ વર્ષે ૩૦૭.૩૭ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. દિલ્હી સહિતના મોટા શહેરોમાં સામાન્ય ગ્રાહકોને ₹૩૫ પ્રતિ કિલોના વ્યાજબી ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી આગામી દિવસોમાં ગૃહિણીઓના બજેટને મોટી રાહત મળશે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
