<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ઉત્તર પ્રદેશમાં ધોળા દિવસે સનસનાટી: હરિયાણાવી કલાકાર અંકિત બાલિયાનની તાબડતોબ ગોળીઓ મારીને હત્યા

જીમમાંથી ઘરે પરત ફરી રહેલા કલાકારને ચાર હુમલાખોરોએ ઘેરીને ડઝનબંધ રાઉન્ડ ફાયરિંગ કર્યું : રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી અને ધરપકડની માંગ સાથે હાઇવે જામ કર્યો

શામલી:  ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સોમવારે ધોળા દિવસે એક ભયાનક હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી અને દહેશતનો માહોલ સર્જાયો છે. બંટી ખેડા ગામના રહેવાસી અને જાણીતા હરિયાણાવી કલાકાર અંકિત બાલિયાન સવારે જીમમાં કસરત કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે સદર કોતવાલી વિસ્તારમાં ડ્રેઇન ટ્રેક પાસે અગાઉથી ઘાત લગાવીને બેઠેલા ચાર અજ્ઞાત બદમાશોએ તેમને ઘેરી લીધા હતા અને કશું પણ વિચારવાનો મોકો આપ્યા વિના પિસ્તોલમાંથી તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ડઝનબંધ રાઉન્ડ ગોળીબારના ધમાકાથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો અને આસપાસના લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા અંકિતનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોરો ગુનો આચર્યા બાદ હવામાં હથિયારો લહેરાવતા ફરાર થઈ ગયા હતા. અચાનક થયેલી આ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા અંકિતના પરિવારજનો અને સમર્થકોમાં શોકની સાથે ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

ઘટનાથી કોપાયમાન થયેલા ગ્રામજનો અને પરિવારજનોએ શામલીના મુખ્ય માર્ગ પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કરીને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની તેમજ તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાની કડક માંગ કરી હતી. સ્થિતિની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને શાંત પાડ્યા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવા અને હત્યા પાછળના મુખ્ય કારણનો પર્દાફાશ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

(9:00 PM IST)