News of Wednesday, 26th August 2026
મોડી રાત્રે ૧૭ વર્ષના છોકરાએ સોશિયલ મીડિયા પર મોકલેલો એક મેસેજ અને ચમકી ગયું ભાગ્ય: રાજ શમાણીના એક ડીએમ (DM) એ બદલી નાખી જિંદગી; ૨૨ની ઉંમરે કમાઈ લીધા ૧ કરોડ રૂપિયા!
JEE ની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન ક્ષેત્રે ઝંપલાવનાર આદિત્ય બંસલની રસપ્રદ કથા: ગ્રાફિક ડિઝાઇન અને વેબસાઇટ મેકિંગમાં નિષ્ફળ ગયા બાદ ટ્વિટર (X) ના એક થ્રેડે ખોલી દીધા સફળતાના દ્વાર

મુંબઈ : સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં એક સાચો પ્રયાસ અને યોગ્ય તક વ્યક્તિનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે, તેનો જીવંત પુરાવો આદિત્ય બંસલ નામના યુવકે પૂરો પાડ્યો છે. માત્ર ૧૭ વર્ષની ઉંમરે મોડી રાત્રે મોકલેલા એક મેસેજે તેના કરિયરની દિશા એવી બદલી નાખી કે જેણે તેને ૨૨ વર્ષની ઉંમરે ૧ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરાવનાર એક સફળ ફ્રીલાન્સર બનાવી દીધો છે.
ગ્રાફિક ડીઝાઇન અને વેબસાઈટ મેકિંગમાં નિષ્ફળતા પછી નવો પ્રયોગ
વર્ષ ૨૦૨૧ માં આદિત્ય બંસલ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ JEE ની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેને એન્જિનિયરિંગ કરતાં ઓનલાઈન બિઝનેસ અને કન્ટેન્ટ ક્રિએશનમાં વધુ રસ હતો. તેણે શરૂઆતમાં ગ્રાફિક ડીઝાઇનિંગ અને વેબસાઇટ ડેવલપમેન્ટ ક્ષેત્રે નસીબ અજમાવ્યું પરંતુ તેને સતત નિષ્ફળતા મળી. એક રાત્રે પ્રખ્યાત યુવા ઉદ્યોગસાહસિક અને પોડકાસ્ટર રાજ શમાણીનો વિડીયો જોયા બાદ આદિત્યએ તેમના વિચારોને કલાકોની મહેનત પછી એક ટ્વિટર (X) થ્રેડમાં લખીને રાજ શમાણીને રાત્રે ૧૦:૪૧ વાગ્યે ડાયરેક્ટ મેસેજ (DM) કર્યો.
સવારે 3:53 વાગ્યે આવ્યો રાજ શમાણીનો જવાબ
આદિત્યના આશ્ચર્ય વચ્ચે સવારે ૩:૫૩ વાગ્યે રાજ શમાણીએ મેસેજ જોઈને ઉત્સાહજનક જવાબ આપ્યો અને આ થ્રેડ પોસ્ટ કરવાની મંજૂરી આપી. કન્ટેન્ટ વાયરલ થતાં અને ૧૨૦૦થી વધુ લાઈક્સ મળતાં રાજ શમાણીએ કોઈ પણ ડિગ્રી કે અનુભવ ન હોવા છતાં ૧૭ વર્ષના આદિત્ય પર વિશ્વાસ મૂકીને તેને પોતાના ટ્વિટર થ્રેડ્સ લખવા માટે હાયર કરી લીધો. તે સમયે આદિત્ય પાસે પોતાનું બેંક એકાઉન્ટ ન હોવાથી રાજ શમાણી તેને એમેઝોન ગિફ્ટ કાર્ડ્સ દ્વારા ચુકવણી કરતા હતા.
રાજ શમાણીના રિવ્યૂથી મળ્યા ૪૫ થી વધુ મોટા ક્લાયન્ટ્સ
થોડા સમય પછી જ્યારે રાજ શમાણીને ફૂલ-ટાઇમ ટીમની જરૂર પડી ત્યારે આ સહયોગ પૂર્ણ થયો, પરંતુ તેમણે આદિત્યને એક આકર્ષક ટેસ્ટિમોનિયલ (પ્રશંસાપત્ર) આપ્યું. આ પ્રશંસાપત્રના આધારે આદિત્યનો આત્મવિશ્વાસ બમણો થયો અને તેને મોટા મોટા ક્લાયન્ટ્સ મળવાનું શરૂ થયું. અત્યાર સુધીમાં ૪૫થી વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે કામ કરી ચૂકેલા આદિત્ય બંસલે સ્વીકાર્યું કે "તે એક રાત્રિનો ડીએમ મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ લખાણ સાબિત થયો."
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
