<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

શું ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની જીવિત છે? ટ્રમ્પના દાવાથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ

ટ્રમ્પે મોજતબા ખામેની હુમલામાં માત્ર ઘાયલ થયા હોવાનો દાવો કરતા મધ્ય પૂર્વના રાજકારણમાં ગરમાવો : ઈરાની સરકારી એજન્સી ફાર્સે નવો વીડિયો જાહેર કરીને અફવાઓ ફગાવી

તેહરાન:  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની અંગે એક અત્યંત સનસનાટીભર્યું નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે. પોતાના પિતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ પદ સંભાળ્યા પછી મોજતબા લાંબા સમયથી જાહેરમાં દેખાયા ન હોવાથી તેમના અસ્તિત્વને લઈને વિવાદ ચાલતો હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ માને છે કે મોજતબા ખામેની મૃત્યુ નથી પામ્યા પરંતુ એક હુમલામાં માત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટ્રમ્પના આ કટાક્ષભર્યા નિવેદન બાદ મધ્ય પૂર્વના રાજકીય અને સુરક્ષા વિશ્લેષકોમાં ભારે હલચલ મચી ગઈ હતી. જોકે, આ દાવાઓના તુરંત બાદ ઈરાનની સરકારી સમાચાર એજન્સી 'ફાર્સ' દ્વારા મોજતબા ખામેનીનો એક તાજો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. તેહરાનથી સામે આવેલા આ વીડિયોમાં ૫૬ વર્ષીય મોજતબા ખામેની એક ધાર્મિક અને શૈક્ષણિક સત્રની અધ્યક્ષતા કરતા સંપૂર્ણપણે સ્વસ્થ અને સક્રિય અવસ્થામાં જોવા મળે છે.

વીડિયોમાં મોજતબા ખામેની અત્યંત શાંતિથી વિદ્યાર્થીઓના થીસીસ પ્રેઝન્ટેશન સાંભળતા અને ઈરાની શાસનના 'ઇસ્લામિક સુરક્ષા મોડેલ' પર ચર્ચા કરતા સંભળાય છે. તેમનો અવાજ સ્પષ્ટ છે અને તેઓ ખૂબ જ હળવાશથી વાતચીત કરી રહ્યા છે, જે અગાઉ ફેલાયેલી તમામ અટકળો અને દાવાઓને ફગાવી દે છે. આ વીડિયો સામે આવ્યા બાદ અમેરિકાના દાવાઓ સામે ઈરાને પોતાની તાકાત અને સ્થિરતાનો મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

(9:19 PM IST)