<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

દેશી રાખડીઓની માંગઃ રક્ષાબંધને થશે રૂ.૩૦,૦૦૦ કરોડનો વેપાર

‘નારી વંદન' અને ‘લખપતિ દીદી' રાખડીઓ મહિલા ખરીદદારોને આકર્ષી રહી છે : મીઠાઈ, ડ્રાયફ્રૂટ્‍સ, ભેટવસ્‍તુઓ, કપડાં, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને અન્‍ય સામાન સહિતનો વેપાર

નવી દિલ્‍હી,તા.૨૭: રાજધાનીનાં બજારોમાં આ વર્ષે વેચાઈ રહેલી રાખડીઓમાં ભાઈ-બહેનના પ્રેમના પરંપરાગત સંદેશ ઉપરાંત ઘણું બધું જોવા મળી રહ્યું છે. તેમાં સ્‍વદેશી ગૌરવ અને સરકારી પહેલોજેમ કે વિકસિત ભારત, બ્રહ્મોસ અને મહિલા સશક્‍તીકરણની ઝલક જોવા મળે છે. વેપારીઓનું અનુમાન છે કે દેશમાં રાખડીનો વેપાર લગભગ રૂ. ૨૫,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે.

Confederation of All India Traders (CAIT)ના અંદાજ મુજબ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્‍સ, ભેટવસ્‍તુઓ, કપડાં, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને અન્‍ય સામાન સહિત રક્ષાબંધનના તહેવાર દરમિયાન કુલ વેપાર રૂ. ૩૦,૦૦૦ કરોડનો આંકડો પાર કરી શકે છે. એકલા દિલ્‍હીમાં આ વેપારનો હિસ્‍સો લગભગ રૂ. ૪૦૦૦ કરોડ રહેવાની આશા છે.

રક્ષાબંધન ૨૮ ઓગસ્‍ટે છે. તહેવાર પહેલાં દિલ્‍હીના ચાંદની ચોક, સદર બજાર, કરોલ બાગ, લાજપત નગર, કમલા નગર, રાજાૈરી ગાર્ડન, ગાંધી નગર, ખારી બાવલી અને લક્ષ્મી નગર જેવાં બજારોમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ભાજપ સાંસદ અને CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્‍યું હતું કે અગાઉ મોટા ભાગની રાખડીઓ ચીનથી આવતી હતી. વર્ષ ૨૦૨૦ પછી સ્‍થાનિક અને સ્‍વદેશી ઉત્‍પાદનો બનાવવાની ભાવના મજબૂત બની છે. તેમણે ગ્રાહકોની વિચારસરણીમાં આવેલા આ બદલાવને વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદની પરિસ્‍થિતિ સાથે જોડ્‍યો હતો.

ખંડેલવાલે વધુમાં જણાવ્‍યું કે યુવા ગ્રાહકોમાં મુદ્દા આધારિત રાખડીઓની ખાસ માગ જોવા મળી રહી છે, જ્‍યારે ‘નારી વંદન' અને ‘લખપતિ દીદી' રાખડીઓ મહિલા ખરીદદારોને આકર્ષી રહી છે. જોકે બજાર માત્ર સ્‍પષ્ટ રાજકીય ડિઝાઇન સુધી મર્યાદિત નથી. કારીગરો પ્રાદેશિક પરંપરાઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. નાગપુરની ખાદી રાખડીઓ, જયપુરની સાંગાનેરી આર્ટવાળી રાખડીઓ, પુણેની બીજવાળી રાખડીઓ, આસામની ચા-પત્તીવાળી રાખડીઓ, કોલકાતાની જૂટવાળી રાખડીઓ તેમ જ બિહારની વાંસ અને મધુબની આર્ટવાળી રાખડીઓ પણ વેચાઈ રહી છે. ખંડેલવાલે કહ્યું હતું કે સ્‍વદેશી ઉત્‍પાદનો પ્રત્‍યે લોકોનો વધતો રસ મહિલા ઉદ્યોગસાહસિકો, સ્‍વસહાય જૂથો અને કારીગરોને મોસમી અર્થતંત્રમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક આપી રહ્યો છે

(10:03 AM IST)