તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Thursday, 27th August 2026
હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા
જિમમાંથી બહાર નીકળતાં જ હુમલાખોરોએ કર્યું ફાયરિંગ : હુમલાખોરોએ ૨૦થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યોઃ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકિતનું મોત થયું

શામલી,તા.૨૭: ઉત્તર પ્રદેશના શામલી માં બુધવારની સાંજે એક ચોંકાવનારી હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સદર કોતવાલી વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ જાણીતા હરિયાણવી સિગર અંકિત બાલિયાન પર અચાનક ગોળીબાર કરી તેમની હત્યા કરી નાખી. અંકિત રોજની જેમ જિમ ગયા હતા. સાંજે લગભગ ૬:૪૫ વાગ્યે તેઓ જિમમાંથી બહાર નીકળ્યા ત્યારે પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિગ શરૂ કરી દીધું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ૨૦થી વધુ રાઉન્ડ ફાયરિગ કર્યું હતું. અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોળીઓ વાગતાં અંકિત ગંભીર રીતે ઘાયલ થઈને રસ્તા પર પડી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે અંકિત બાલિયાન બુધવારે સાંજે લગભગ ૬:૪૫ વાગ્યે જિમમાંથી બહાર આવ્યા હતા. તેઓ બહાર નીકળ્યા તે જ સમયે હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા. ખૂબ જ ઓછા સમયમાં અનેક ગોળીઓ ચલાવીને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સદર કોતવાલી વિસ્તારની નાળા પટરી નજીક બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન બનેલી આ હત્યાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
અંકિત બાલિયાન હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માં જાણીતા નામ હતા. તેમના ‘ભરી કોર્ટ મેં ગોળી મારેગે મેરી જાન' ગીતે તેમને ખાસ લોકપ્રિયતા અપાવી હતી. આ ગીત બાદ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેમની ઓળખ વધુ મજબૂત બની હતી. અંકિત મૂળ શામલીના બનતીખેડા ગામના રહેવાસી હોવાનું જણાવવામાં આવે છે. તેઓ જાણીતા હરિયાણવી સિગર માસૂમ શર્મા સાથે પણ કામ કરી ચૂક્યા હતા. તેમની હત્યાના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો, મિત્રો અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે.
અંકિત બાલિયાન અગાઉ પણ એક ઘટનાને કારણે ચર્ચામાં આવ્યા હતા. જુલાઈ ૨૦૨૩માં શામલીમાં તેમના કાફલાના રોડ શો ને લઈને પોલીસે અંકિત સહિત આશરે ૪૦ લોકો સામે કેસ નોંધ્યો હતો. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી રહી છે કે અંકિત જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે તેમની હત્યા અને આ બાબતો વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં, તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
અંકિત બાલિયાનની હત્યા શા માટે કરવામાં આવી, તે અંગે હાલમાં કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હત્યાના હેતુની તપાસ કરી રહી છે. હુમલાની રીતને જોતા પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આરોપીઓએ અંકિતની અગાઉથી રેકી કરી હતી. કારણ કે હુમલાખોરોએ ચોક્કસ સમયે જિમની બહાર અંકિતને નિશાન બનાવ્યા હતા. આથી તેમને અંકિતની દૈનિક રૂટિન અને જિમમાંથી બહાર નીકળવાના સમયની જાણકારી હતી કે કેમ, તે પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
હત્યા બાદ પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા ની ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરો કયા વાહનથી આવ્યા હતા અને હત્યા કર્યા બાદ કયા રસ્તેથી ભાગી ગયા હતા. હાલમાં પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં લાગી છે. હુમલાખોરોની ઓળખ, હત્યા પાછળનું કારણ અને સમગ્ર ઘટનાના ષડયંત્રનો ખુલાસો પોલીસ તપાસ બાદ જ થઈ શકશે.
હાલ પોલીસ મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરો કોણ હતા, તેમણે અંકિત બાલિયાનને જ કેમ નિશાન બનાવ્યા અને શું આ હત્યા અગાઉથી ઘડવામાં આવેલું કાવતરું હતું. જિમમાંથી બહાર નીકળતાં જ થયેલા હુમલાને કારણે રેકીનો એંગલ પણ તપાસવામાં આવી રહ્યો છે. બીજી તરફ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
