News of Thursday, 27th August 2026
સંકટના સમયે ભારત બન્યું મદદરૂપઃ નેપાળ પૂર પીડિતો
માટે ૩૫ ટનથી વધુ સામગ્રી સાથે સેનાનું C-17 વિમાન રવાના આ મિશન હેઠળ કામચલાઉ આશ્રય સામગ્રી, ધાબળા, વોટર પ્યુરિફાયર, સોલાર લેમ્પ અને જીવનરક્ષક દવાઓનો મોટો જથ્થો પહોંચાડવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૨૭: નેપાળમાં તિબેટ સરહદ નજીક ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક અચાનક પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અત્યાર સુધીમાં ૧૬૩થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે ૭૫૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમાંથી ૧૦૦થી વધુ ભારતીય શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પૂરના પાણીમાં તણાઈ જતાં અનેક વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે. આ જળપ્રલયની અસર ભારતના સરહદી રાજ્યો સુધી પહોંચતા ઉત્તર પ્રદેશ અને બિહારમાં તકેદારીના ભાગરૂપે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પાડોશી દેશની આ કટોકટીમાં ભારતે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રાહત કામગીરીને વધુ તીવ્ર બનાવી છે. બુધવારે રાત્રે C-130J વિમાન દ્વારા ૧૦ ટન તબીબી પુરવઠો અને આશ્રય કીટ મોકલ્યા બાદ, આજે સવારે દિલ્હી નજીકના હિન્ડન એરબેઝ પરથી ભારતીય વાયુસેનાનું વિશાળ C-17 ગ્લોબમાસ્ટર વિમાન ૩૫ ટનથી વધુ વધારાની રાહત સામગ્રી લઈને કાઠમંડુ માટે રવાના થયું છે. આ મિશન હેઠળ કામચલાઉ આશ્રય સામગ્રી, ધાબળા, વોટર પ્યુરિફાયર, સોલર લેમ્પ અને જીવનરક્ષક દવાઓનો મોટો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. કાઠમંડુ સ્થિત ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે નેપાળી મંત્રીઓને માનવતાવાદી સહાયનો પહેલો હપ્તો સુપ્રત કર્યો હતો.
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ સાથે ફોન પર વાતચીત કરી દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને ભારત તરફથી સંપૂર્ણ માનવતાવાદી સહાયની ખાતરી આપી હતી. બંને દેશોની આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને વાયુસેનાના હેલિકોપ્ટરો ગુમ થયેલા લોકોની શોધોળ અને રાહત બચાવ કામગીરી માટે સતત સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ કપરા સમયમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઊભું હોવાનો પુનરુચ્ચાર કર્યો છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
