News of Thursday, 27th August 2026
બાળકોને ‘ટેવ' પડાવવાના ચક્કરમાં મેટા ફસાયું: ફેસબુક-ઈન્સ્ટા પર ૨ કલાકની લિમિટ નક્કી
રાત્રે ૧૨ થી ૬ સુધી એપ્સ લોક રહેશેઃ ૧.૭૦ લાખ કરોડનું વળતર ચૂકવશે બાળકોને સોશ્યલ મીડિયાની લત અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના કેસમાં સેટલમેન્ટ પર મેટાની સહમતી

નવી દિલ્હી, તા.૨૭: બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના વ્યસનને પ્રોત્સાહન આપવા અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પહોંચાડવાના ગંભીર આરોપો વચ્ચે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાએ અમેરિકાના ૫૨ એટર્ની જનરલ અને રાજ્યો સાથે કરોડો ડોલરનો ઐતિહાસિક સમજૂતી કરાર કર્યો છે. અમેરિકી ઈતિહાસમાં કોઈ મોટી સોશિયલ મીડિયા કંપનીને પોતાના પ્લેટફોર્મના અલ્ગોરિધમ અને મૂળ ડિઝાઇન બદલવા માટે મજબૂર કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ કરાર હેઠળ મેટા આગામી ૧૦ વર્ષમાં તબક્કાવાર રીતે કુલ ૧૮ બિલિયન ડોલર (આશરે રૂ.૧.૫ લાખ કરોડ) સુધીની રકમ ચૂકવશે. આ સમાધાન બાદ ૧૮ વર્ષથી ઓછી વયના યુઝર્સ માટે દૈનિક ૨ કલાકની ડિફોલ્ટ સ્ક્રીન ટાઇમ લિમિટ લાગુ થશે, જેને માતાપિતાની મંજૂરી વિના વધારી શકાશે નહીં. આ ઉપરાંત, રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ મોડ લાગુ કરી નોટિફિકેશન અને ફીડ્સ બંધ રખાશે, તેમજ શાળાના સમય દરમિયાન (સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા) પુશ નોટિફિકેશન મ્યૂટ રહેશે.
ઓકલેન્ડ, કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહી દરમિયાન મેટાએ આ સમાધાનનો સ્વીકાર કર્યો છે. યુએસ રાજ્યોએ દાવો કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એવી સુવિધાઓ વિકસાવવામાં આવી હતી જે બાળકોને સતત સ્ક્રીન સાથે ચોંટાડી રાખતી હતી.
બાળકોમાં સરખામણી અને માનસિક દબાણ દૂર કરવા લાઇક અને રિએક્શન ગણતરી ડિફોલ્ટ રૂપે સંતાડી દેવાશે, કોસ્મેટિક સર્જરી અને એક્સ્ટ્રીમ મેકઅપ ફિલ્ટર્સ પર પ્રતિબંધ મુકાશે, અને નોન-અલ્ગોરિધમિક (ક્રમિક) ફીડ પસંદ કરવાનો વિકલ્પ મળશે. ૧૩ વર્ષથી નાની વયના બાળકોના ફેક એકાઉન્ટ્સ દૂર કરવા અને ઉંમરની ખરાઈ કરવા કડક ટેકનોલોજી અપનાવાશે.
દંડમાંથી મળનારી રકમનો મોટો હિસ્સો (કેલિફોર્નિયાને આશરે રૂ. ૧૨,૫૦૦ કરોડથી વધુ) બાળકોના માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમો, ડિજિટલ સાક્ષરતા અને સમર કેમ્પ પાછળ ખર્ચાશે. મેટાએ સ્પષ્ટ કર્યું છે કે ટિકટોક અને યુટયુબ જેવા અન્ય સ્પર્ધક પ્લેટફોર્મ્સ પણ આવા જ બાળ સુરક્ષાના ધોરણો અપનાવે તો જ આ ઉદ્દેશ્ય પૂર્ણ થશે. મેટાએ આ કરારમાં પોતાની કોઈ કાનૂની ભૂલ સ્વીકારી નથી, પરંતુ સમગ્ર સોશિયલ મીડિયા ઉદ્યોગ માટે આ નિર્ણયો એક નવી દિશા નક્કી કરશે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
