<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સરકારી નોકરીના નામે ૪૦૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી

લોકોને દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાના પગારની નોકરી આપવાનું વચન આપ્‍યું હતું

બલિયા,તા.૨૭: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્‍લામાં સરકારી સંસ્‍થાઓ જેવાં લાગતાં નામોનો ઉપયોગ કરીને નોકરી અપાવવાને નામે ૪૦૦૦થી વધુ લોકો સાથે કથિત રીતે છેતરપિડીનો મામલો સામે આવ્‍યો છે. આરોપીઓએ લોકોને દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાના પગારની નોકરી આપવાનું વચન આપ્‍યું હતું. પોલીસે આ મામલે ૧૩ નામજોગ આરોપીઓ અને પાંચ અજાણ્‍યા લોકો સામે કેસ નોંધ્‍યો છે.

બાંસડીહ રોડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના તીખમપુરમાં ભાડાના મકાનમાંથી લઘુ ઉદ્યોગ વિકાસ પરિષદ, ઉજ્જવલા શિક્ષા મિશન અને ઔદ્યોગિક પ્રશિક્ષણ મહિલા વિકાસ યોજના જેવા નામે કથિત સંસ્‍થાઓ ચલાવવામાં આવતી હતી.

પરશપુર ગામના રહેવાસી રાજેશ કન્નૌજિયાએ કોર્ટમાં અરજી કરી હતી. તેમની ફરિયાદ મુજબ આરોપીઓએ ગામેગામ પ્રચાર કરાવીને લોકોને જણાવ્‍યું હતું કે સરકાર દરેક ગામમાં બે પંચાયત વિકાસ પ્રબંધકોની નિમણૂક કરશે. આ નોકરી માટે ૪૦,૦૦૦ રૂપિયા સિક્‍યોરિટી મની જમા કરાવવાની હતી અને બદલામાં દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાનો પગાર આપવાનું વચન આપવામાં આવ્‍યું હતું. રાજેશે જણાવ્‍યું કે તે પણ આરોપીઓની વાતોમાં આવી ગયો હતો અને ઈ-રિક્ષા વેચીને ૪૦,૦૦૦ રૂપિયા આપ્‍યા હતા. ત્‍યાર બાદ તેને નિમણૂક પત્ર આપીને કથિત રીતે કામ પણ કરાવવામાં આવ્‍યું હતું. ફરિયાદ અનુસાર નરેન્‍દ્ર શુક્‍લા, પ્રીતિ શુક્‍લા, અખિલેશ તિવારી સહિત ૪૦૦૦થી વધુ લોકો પાસેથી આ જ રીતે પૈસા લેવામાં આવ્‍યા હતા. આ રીતે કુલ આશરે છ કરોડ રૂપિયાની છેતરપિડી કરવામાં આવી હોવાનો આરોપ છે. લોકોને નકલી નિમણૂક પત્રો પણ આપવામાં આવ્‍યા હતા.

આરોપ છે કે ૨૫ ઓક્‍ટોબર ૨૦૨૫એ રાજેશ પૈસા પરત માંગવા માટે ઓફિસ પહોંચ્‍યા ત્‍યારે આરોપીઓએ તેમને જાતિસૂચક અપશબ્‍દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્‍યાર બાદ આરોપીઓ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. ઘરે પહોંચ્‍યા બાદ હરે રામ, પ્રભુનાથ અને ઓમકાર પર પણ ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્‍યો છે.

સ્‍થાનિક પોલીસ અને પોલીસ અધિક્ષક સ્‍તરે કાર્યવાહી ન થતાં રાજેશે કોર્ટનો આશરો લીધો હતો. વિશેષ ન્‍યાયાધીશ એસસી/એસટી એક્‍ટના આદેશ બાદ બાંસડીહ રોડ પોલીસે કેસ નોંધ્‍યો છે. પોલીસ સ્‍ટેશનના અધિકારી વંશ બહાદુર સિહે જણાવ્‍યું કે કોર્ટના આદેશથી FIR નોંધવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

(3:06 PM IST)