<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

તિબેટમાં ભૂકંપને કારણે ગ્‍લેસિયર તૂટી અને ધસમસતું પાણી મોત બનીને ફરી વળ્‍યું

બરફનો મોટો પહાડ નદીમાં પડતાં પાણીનો ધસમસતો પ્રવાહ ફૂટી નીકળ્‍યો હોવાનું તારણ

કાઠમંડુ,તા.૨૭: નેપાલના રસુવા જિલ્‍લાની ભોટેકોશી નદીમાં ગઈ કાલે અચાનક આવેલા વિનાશક પૂરમાં સેંકડો ઘર અને હાઇડ્રો પ્રોજેક્‍ટ તબાહ થઈ ગયાં હતાં. જોકે હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ તબાહી પાછળ સ્‍થાનિક ભારે વરસાદ નહીં પરંતુ પાડોશી તિબેટમાં આવેલો ભૂકંપ અને હિમસ્‍ખલન જવાબદાર છે.

હિમાલયન ગ્‍લેસિયર્સ પર પચીસ વર્ષથી ઊંડું અધ્‍યયન કરતા કાઠમાંડુ યુનિવર્સિટીના રિસર્ચર અને પ્રોફેસર ડો. રિજન કાયસ્‍થ અને ચીનના વૈજ્ઞાનિકોની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુનાઇટેડ સ્‍ટેટ્‍સ જિયોલોજિકલ સર્વે (USGS)ના ડેટા મુજબ દુર્ઘટનાના દિવસે તિબેટ સરહદે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. આ ભૂકંપને કારણે બરફનો મોટો હિસ્‍સો તૂટીને લ્‍હેંદે નદીમાં પડતાં પાણીનો પ્રવાહ સંપૂર્ણ રીતે રોકાઈ ગયો હતો. ત્‍યાર બાદ ઉપર જમા થતો રહ્યો અને બરફ પીગળતાં પાણીનો જથ્‍થો અચાનક ધડાકાભેર ફૂટી નીકળતાં ભોટેકોશી નદીમાં મહાકાય પૂર આવ્‍યું હતું.

નેપાલના પાણી અને હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી છે કે પૂર સમયે રસુવા કે તિબેટમાં કોઈ ભારે વરસાદ નોંધાયો નહોતો. ગયા વર્ષે જુલાઈમાં પણ આ જ વિસ્‍તારમાં ગ્‍લેસિયર લેક ફાટવાથી પૂર આવ્‍યું હતું. નિષ્‍ણાતોના મતે હિમાલયની સંવેદનશીલ ઇકો-સિસ્‍ટમમાં આડેધડ બાંધકામો અને ગ્‍લોબલ વોર્મિગને કારણે ગ્‍લેસિયર લેક ફાટવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. જોકે હાલ આ તમામ પ્રાથમિક અનુમાન છે અને ચોક્કસ કારણ વિસ્‍તૃત તપાસ બાદ જ સામે આવશે.

 

 

(3:39 PM IST)