<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

કાનપુરમાં ટ્રેઈની વિમાન ક્રેશઃ બંને પાઇલોટના મોત

ગર્ગ એવિએશનનું ૪ સીટર પ્લેન ટેકઓફના ૨૦ મિનિટમાં જ તૂટી પડયું: ડીજીસીએ અને ઉડ્ડયન વિભાગે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી, તા.૨૭: કાનપુરના ગ્વાલટોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નાથુ પૂર્વા ગામમાં ગંગા બેરેજ પાસે એક દુઃખદ વિમાન અકસ્માત સર્જાયો છે. ગર્ગ એવિએશનનું ચાર સીટવાળું ઇટાલીયન બનાવટનું ટેકનામ તાલીમ વિમાન ટેકઓફ કર્યાની મિનિટોમાં જ જમીનદોસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર અનુભવી ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર પાયલટ અને કર્ણાટકના ટ્રેઇની પાયલટનું ઘટનાસ્થળે જ નિધન થયું છે.

કાનપુર કેન્ટ સ્થિત ગર્ગ એવિએશન સેન્ટર પરથી ફ્લાઇટે ઉડાન ભરી હતી. જોકે, ૨૦ મિનિટ બાદ ૧૧:૫૦ વાગ્યાની આસપાસ નાથુ પૂર્વા વિસ્તારમાં વિમાન કંટ્રોલ ગુમાવીને એક ખુલ્લા ખેતરમાં ધડાકા ભેર ખાબક્યું હતું. અકસ્માતમાં માર્યા ગયેલા પાઇલટ્સની ઓળખ ૩,૦૦૦ કલાકનો અનુભવ ધરાવતા ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સચિન (સુમિત) ભાટિયા અને કર્ણાટકના તાલીમાર્થી પાયલટ અભિષેક પૂજારી તરીકે થઈ છે.

ઘટનાની જાણ થતાં જ કાનપુર પોલીસ કમિશનર રઘુવીર લાલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

(3:10 PM IST)