<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ભારતે 'મોટો ભાઈ' બનીને બડાઈ ન હાંકવી જોઈએ: નેપાળ પૂર રાહત સહાય અને ભારતીય મીડિયાના કવરેજ પર શશી થરૂરનો સણસણતો કટાક

૨૦૧૫ના ભૂકંપ વખતની 'હિમાલયન ભૂલ' ન દોહરાવવા કોંગ્રેસના વરિષ્ઠ સાંસદની ચેતવણી; નેપાળને એક સાર્વભૌમ અને સમાન રાષ્ટ્ર તરીકે સન્માન આપવા ભારતીય મીડિયા અને સરકારને અપીલ.

નવી દિલ્હી, તા.27: પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ અને વિનાશક પૂર બાદ ભારત સરકાર દ્વારા તાબડતોબ મોકલવામાં આવેલી રાહત સામગ્રીની ચોમેર પ્રશંસા થઈ રહી છે. પરંતુ, આ સમય વચ્ચે કોંગ્રેસના દુરંદેશી વરિષ્ઠ સાંસદ શશી થરૂરે ભારતીય મીડિયાને એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ ચેતવણી આપી છે. કાઠમંડુમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન થરૂરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પડોશીને મુશ્કેલીના સમયે મદદ કરવી એ આપણી ફરજ છે, પરંતુ મીડિયાએ પોતાની સહાય અંગે બડાઈ હાંકવાથી દૂર રહેવું જોઈએ.

શશી થરૂરે ૨૦૧૫ના વિનાશક ભૂકંપની યાદ અપાવાતાં કહ્યું કે, તે સમયે ભારતે અત્યંત પ્રશંસનીય મદદ કરી હતી, પરંતુ ભારતીય મીડિયાના એક વર્ગે તેને જે રીતે અતિશયોક્તિપૂર્ણ અને વિચિત્ર રીતે રજૂ કરી, તેનાથી નેપાળી જનતાના સ્વાભિમાનને ઊંડો ઠેસ પહોંચ્યો હતો. મદદ મેળવનાર વ્યક્તિ કે દેશ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં હોય છે, ત્યારે "અમે તમારી પર ઉપકાર કરી રહ્યા છીએ" તેવો દેખાડો કરવો એ ડિપ્લોમસી અને માનવતા બંનેની દ્રષ્ટિએ સમસ્યારૂપ છે. મીડિયાએ સરકાર જેટલી જ વિદેશ નીતિ અને પડોશી દેશોના સંબંધો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી જોઈએ.

પોતાના નિવેદનમાં થરૂરે ૨૦૧૫ના અઘોષિત આર્થિક નાકાબંધીનો ઉલ્લેખ કરતાં તેને 'હિમાલય જેવી મોટી ભૂલ' ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આપણે નેપાળ સાથે માત્ર 'રોટી અને બેટી'નો જ નહીં, પરંતુ એક સમાન અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેનો પરસ્પર આદરનો સંબંધ કેળવવો પડશે."

ભારત સરકારની ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના નેપાળની મદદે પહોંચવાની તત્પરતાને બિરદાવતા થરૂરે ઉમેર્યું કે, "આપણે સૌથી નજીકના પડોશી છીએ અને સંકટની આ ક્ષણમાં નેપાળી ભાઈ-બહેનો સાથે એકતાથી ઊભા છીએ." જોકે, તેમણે મીડિયાને ફરી એકવાર યાદ અપાવ્યું કે, સહાય આપ્યા પછી તેનો ભપકાદાર પ્રચાર કરવાને બદલે આદરપૂર્ણ સંવાદ જ બંને દેશોના સદીઓ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવી શકશે.

(3:58 PM IST)