<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળના ભીષણ પૂરમાં કુદરતનો ચમત્કાર: મોત બનીને આવેલી પાણીની દીવાલે યુવકને ખેંચ્યો, કેરીનું ઝાડ જીવનદાતા બન્યું!

બિદુર નજીક ૨૪ વર્ષીય મજૂર પૂર, કાદવ અને પથ્થરોના ભયાનક વહેણમાં તણાયો; કાળજું કંપાવી દેતી આપત્તિ વચ્ચે વૃક્ષને વળગી રહેતા બચ્યો અદ્ભુત રીતે જીવ.

કાઠમંડુ, તા.27: પડોશી દેશ નેપાળમાં વિનાશકારી પૂર અને ભૂસ્ખલને ચારેય તરફ ભારે તબાહી મચાવી છે. આ ભયાનક કુદરતી આપત્તિ વચ્ચે બિદુર નજીકથી એક અદ્ભુત અને હૃદયસ્પર્શી ચમત્કારની ઘટના સામે આવી છે. નવા બની રહેલા એક મકાનની બહાર શૌચાલયનો ખાડો ખોદી રહેલા ૨૪ વર્ષીય નેપાળી મજૂર બિબેક કુમાલ માટે એક સાધારણ કેરીનું ઝાડ સાક્ષાત ઈશ્વરનો અવતાર અને જીવનદાતા સાબિત થયું છે.

બુધવારે જ્યારે બિબેક ખાડામાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક ભયાનક ગડગડાટનો અવાજ સંભળાયો. ખાડાની બહાર ઊભેલા તેના ચાર સાથીદારોએ ખતરો ભાંપી જઈને તરત જ ભાગવાની બૂમો પાડી. બિબેક ખાડામાંથી બહાર નીકળીને દોડવા જ લાગ્યો હતો કે ક્ષણવારમાં જ કાદવ, પથ્થરો અને બરફ જેવા ઠંડા પાણીની ભીષણ દિવાલ જાણે ભૂકંપ આવ્યો હોય તેમ ગર્જના કરતી આવી પહોંચી. પૂરના પ્રચંડ પ્રવાહે બિબેકને જમીન પર પછાડી દીધો અને તે કાદવ-કાટમાળ વચ્ચે પૂરપાટ ઝડપે વહેવા લાગ્યો.

અંધાધૂંધી અને મોતની આ ક્ષણો વચ્ચે વહેતા પાણીમાં બિબેક સદભાગ્યે રસ્તામાં આવેલા એક કેરીના ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયો. તેણે પૂરા જોરથી ઝાડને વળગી લીધું. હોસ્પિટલના પલંગ પરથી પોતાની આપવીતી જણાવતાં બિબેકે કહ્યું કે, "જો એ કેરીનું ઝાડ ન હોત તો હું આજે જીવતો ન હોત." તેણે પોતાની નજર સામે જ એ ઘરને પૂરમાં ગાયબ થતાં જોયું જ્યાં તે થોડીવાર પહેલાં કામ કરી રહ્યો હતો.

પૂરના વહેણમાં મોટા પથ્થરો વાગવાને કારણે બિબેકના જમણા પગે ગંભીર ઈજાઓ થઈ હતી. પૂરનું જોર થોડું ઘટતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓએ ભારે જહમત બાદ તેને સલામત રીતે ખેંચી કાઢ્યો હતો અને કાઠમંડુના નેશનલ ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. એક સામાન્ય કામકાજનો દિવસ અચાનક મોત સામેના સંગ્રામમાં ફેરવાઈ ગયો હતો, પરંતુ કુદરતના આ ચમત્કારે બિબેકને નવજીવન આપ્યું છે.

(3:59 PM IST)