News of Thursday, 27th August 2026
ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યો પર આકાશી આફતનું સંકટ: લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે મુશળધાર વરસાદનું રેડ એલર્ટ!
ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારતમાં ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી મેઘરાજા ધમરોળશે; હવામાન વિભાગ (IMD) દ્વારા વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડાની ચેતવણી.

નવી દિલ્હી, તા.27: દેશના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક સક્રિય નીચા દબાણનું ક્ષેત્ર (Low Pressure Area) સર્જાયું છે. હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન મુજબ, આ સિસ્ટમના કારણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારેથી અતિભારે મુશળધાર વરસાદ વરસી શકે છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આકાશી આફત વરસવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં ૩૦ ઓગસ્ટથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વ્યાપક વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.
મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોની વાત કરીએ તો, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ૨૭ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી પાંચ દિવસ સુધી મુશળધાર વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશામાં ૨૭ થી ૩૧ ઓગસ્ટ વચ્ચે અત્યંત ભારે વરસાદ પૂરની સ્થિતિ સર્જી શકે છે, જેના પગલે સ્થાનિક તંત્રને એલર્ટ પર રહેવા આદેશ અપાયા છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
