<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મહારાષ્ટ્રના જળગાંવમાં કાળજું કંપાવી દેતી કરૂણાંતિકા: ઘરકંકાસમાં એક જ પરિવારના ૪ સભ્યોએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા!

અમલનેર નજીક વહેલી સવારે પતિ-પત્ની અને બે માસૂમ પુત્રોએ ચાલતી ટ્રેન સામે છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું; સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ.

જળગાંવ, તા.27: મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના અમલનેર તાલુકાના ટાકરખેડા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વહેલી સવારે કૌટુંબિક ઝઘડા અથવા તો ગૃહકંકાસથી કંટાળીને એક જ પરિવારના ચાર સભ્યોએ ચાલતી ટ્રેન નીચે ઝંપલાવીને ભયાનક આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

મૃતકોની ઓળખ સુનિલ અમૃત ભીલ (પતિ), પાર્વતી ભીલ (પત્ની), તથા તેમના બે માસૂમ પુત્રો સની અને રાજ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, આ કમનસીબ પરિવાર આજે વહેલી સવારે લગભગ ૪ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ ધરણગાંવ અને અમલનેર વચ્ચે રેલવે ટ્રૅક પર સામેથી આવી રહેલી ઝડપી ટ્રેન સામે કૂદીને આખા પરિવારે એક ક્ષણમાં પોતાનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું હતું.

 

ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને અમલનેર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ભીષણ પગલું ઘરકંકાસના કારણે ભરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ અને આપઘાતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. એક જ ઝટકામાં આખો પરિવાર હોમાઈ જતાં આસપાસના ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

(4:12 PM IST)