<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ઇન્ડિયા ગેટ પર જંતર-મંતરથી પણ મોટું શક્તિપ્રદર્શન થશે: સીજેપી પ્રમુખ અભિજીત દીપકેની કેન્દ્ર સરકારને ચીમકી, પોલીસના લાઠીચાર્જ સામે પણ લડી લેવાની તૈયારી!

વિદ્યાર્થીઓ સામે દાખલ થયેલી તમામ એફઆઈઆર રદ કરવાનું વચન પાળવામાં સરકાર નિષ્ફળ જતાં ૫ સપ્ટેમ્બરે 'સીઝન-૨' આંદોલનની જાહેરાત; પોલીસ હેડક્વાર્ટર ખાતે ઘેરાવો કરવાની ખુલ્લી ચેતવણી.

નવી દિલ્હી, તા.27: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આંદોલનના ભયાનક એંધાણ વર્તાઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અને યુવા નેતા અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડતાં ખુલ્લી ચેતવણી આપી છે કે આવનારી ૫ સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર યોજાનારું પ્રદર્શન જંતર-મંતરના આંદોલન કરતાં પણ ઘણું મોટું અને આક્રમક હશે. એક મહિના અગાઉ સરકારે વિદ્યાર્થીઓ સામેની તમામ એફઆઈઆર (FIR) પાછી ખેંચવાનું આપેલું વચન ન પાળતાં યુવાનોમાં ભારે રોષ વ્યાપેલો છે.

 

એક વિશેષ મુલાકાતમાં દીપકેએ જણાવ્યું હતું કે, સરકારે અગાઉ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોનું બહાનું બતાવીને સમય વિતાવ્યો છે અને માંગણીઓ માની લીધા પછી પણ કાર્યવાહી કરવામાં અટકચાળા કરી રહી છે. આ છેતરપિંડી સામે દેશની યુવા પેઢી હવે શાંત બેસવાની નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ૫ સપ્ટેમ્બરે તમામ કાર્યકરો અને યુવાનો પહેલાં લોકશાહીના પ્રતીક સમાન ઇન્ડિયા ગેટ પર એકત્રિત થશે અને ત્યાંથી કૂચ કરીને પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવો કરશે. જ્યાં સુધી એફઆઈઆર રદ કરવાનો સત્તાવાર આદેશ બહાર નહીં પડે ત્યાં સુધી ત્યાંથી ખસશે નહીં.

 

બિના પરવાનગીએ કૂચ અને પ્રદર્શન અંગે દિલ્હી પોલીસના ડીસીપીની ચેતવણી પર પ્રતિક્રિયા આપતાં દીપકેએ કડક સુરમાં કહ્યું કે, "કોઈ પણ અધિકારી કે વડાપ્રધાન પણ બંધારણથી ઉપર નથી. જો તંત્ર ફરી એકવાર ૨૦ જુલાઈની જેમ વિદ્યાર્થીઓનું લોહી વહેવડાવવા માંગતું હોય કે લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવા માંગતું હોય, તો અમે દરેક પરિણામ ભોગવવા તૈયાર છીએ. યુવાનોનો આ ગુસ્સો હવે દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને અધિકારોની લડાઈનું નવું 'સીઝન-૨' બતાવશે."

(4:15 PM IST)