<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સંસદનું ચોમાસું સત્ર ફરી બોલાવાશે? સીમાંકન બિલ પસાર કરવા મોદી સરકારનો મેગા પ્લાન, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા રાજકીય ગણિત તેજ!

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના નિવેદનથી વિપક્ષી છાવણીમાં ફફડાટ; શિવસેના અને NCPIના ટેકો છતાં NDA ૩૬૦ના આંકડાથી દૂર, DMKના ૨૨ સાંસદો તારણહાર બનવાની અટકળો.

નવી દિલ્હી, તા.27: સંસદનું ચોમાસું સત્ર ૧૩ ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હોવા છતાં તેને ઔપચારિક રીતે પૂર્ણ (Prorogue) કરવામાં આવ્યું નથી. આ વચ્ચે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના એક સણસણતા નિવેદને દેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સત્ર હજુ ટેકનિકલી સમાપ્ત થયું નથી અને સરકાર સીમાંકન બિલ (Delimitation Bill) જેવા અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય સુધારાને પસાર કરાવવા માટે કોઈ પણ સમયે ટૂંકી નોટિસ પર સંસદ ફરી બોલાવી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન બોલાવાયેલા ખાસ સત્રમાં સરકાર બે તૃતીયાંશ બહુમતી ન હોવાના કારણે બિલ પસાર કરાવી શકી નહોતી. જોકે, ત્યારબાદ શિવસેના (UBT)ના ૭ સાંસદો શિંદે જૂથમાં જોડાતાં અને TMCમાંથી અલગ થયેલા ૨૦ સાંસદોના NCPI જૂથે સમર્થન જાહેર કરતાં NDAનું બળ વધીને ૩૧૮ સાંસદોનું થઈ ગયું છે. આમ છતાં, બિલ પસાર કરવા માટે જરૂરી ૩૬૦ મતોનો જાદુઈ આંકડો હજુ પણ ૪૨ બેઠકો દૂર છે. આ સ્થિતિમાં, કોંગ્રેસથી નારાજ થઈને 'ઈન્ડિયા' ગઠબંધન છોડનાર DMKના ૨૨ સાંસદો સરકારને મદદરૂપ બનશે કે કેમ તે અંગે અટકળોએ જોર પકડ્યું છે.

 

તમિલનાડુમાં 'થલપતિ' વિજય સરકાર પર લાંચ કૌભાંડના આરોપોથી રાજકીય તોફાન

 

બીજી તરફ, તમિલનાડુના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલપતિ વિજય)ની નેતૃત્વ હેઠળની TVK સરકારના નાણામંત્રી એન. મેરી વિલ્સનના એક વિવાદાસ્પદ નિવેદને મોટો બટોળો ઊભો કર્યો છે. વિધાનસભામાં બોલતાં નાણામંત્રીએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પોતાની શૈક્ષણિક સંસ્થાઓની મંજૂરી મેળવવા માટે તેમણે પોતે શાળા શિક્ષણ વિભાગને મોટી રકમ લાંચ તરીકે આપવી પડી હતી.

 

મંત્રીના આ સ્વબૂલનામા બાદ મુખ્ય વિપક્ષી પક્ષો DMK અને ભાજપે વિજય સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બંને પક્ષોએ મંત્રી મેરી વિલ્સનના તાત્કાલિક રાજીનામાની અને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની કડક માંગણી કરી છે, જેના કારણે સીએમ વિજય મુશ્કેલીમાં મુકાયા છે.

 

(4:18 PM IST)