News of Thursday, 27th August 2026
રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર ‘નારી શક્તિ’ને રાષ્ટ્રશક્તિ બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત : મોદીજીની સરકારના નિર્ણયો ‘નારી સશક્તિકરણ’થી આગળ વધીને ‘નારી નેતૃત્વવાળા વિકાસ’ તરફ ભારતની યાત્રાને વેગ આપનારા : અમિતભાઈ શાહ

અમદાવાદ તા.૨૭ : ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાત તથા દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
અમિતભાઈ શાહે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં બહેનની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાન પ્રત્યેની જવાબદારીનું પણ આ પર્વ પ્રતીક છે.
શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર ‘નારી શક્તિ’ને રાષ્ટ્રશક્તિ બનાવવાના સંકલ્પ સાથે મહિલા સશક્તિકરણને વિકાસના કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’થી લઈને ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’, ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’, ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’, ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવી અનેક યોજનાઓ દ્વારા દીકરીઓ તથા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, આર્થિક સ્વાવલંબન અને રોજગારની તકો સાથે જોડવામાં આવી રહી છે.
અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા અનામત કાયદા દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારીને નવી દિશા આપવાનો ઐતિહાસિક નિર્ણય હોય કે કરોડો મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ લઈ જતી ‘લખપતિ દીદી’ જેવી પહેલ— આદરણીય મોદીજીની સરકારના નિર્ણયો ‘નારી સશક્તિકરણ’થી આગળ વધીને ‘નારી નેતૃત્વવાળા વિકાસ’ તરફ ભારતની યાત્રાને વેગ આપી રહ્યા છે.
શ્રી શાહે અંતમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે દેશની દરેક દીકરીને સુરક્ષિત, શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને વધુ મજબૂત કરવા તેમજ નારી શક્તિના સન્માન અને સામર્થ્યને રાષ્ટ્રની પ્રગતિ સાથે જોડીને વિકસિત ભારતના નિર્માણમાં બહેનોની ભાગીદારીને વધુ વ્યાપક બનાવવા સંકલ્પબધ્ધ થવા સૌને આહવાન કર્યું હતું.તેમ
ગાંધીનગર લોકસભા ભાજપાના મીડિયા પ્રભારી
ડૉ. બિમલ જોષીએ જણાવ્યું છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
