News of Thursday, 27th August 2026
NCLTનો મોટો નિર્ણય: સુભાષ ચંદ્રાનું ₹22,000 કરોડનું દેવું માત્ર ₹6.5 કરોડમાં રફેદફે, વિજય માલ્યાએ બેન્કિંગ સિસ્ટમ પર કર્યા તીખા પ્રહારો
બેંકોના ભારે વિરોધ વચ્ચે પણ 99.9% દેવું માફ કરાતા બેન્કિંગ અને કોર્પોરેટ જગતમાં ખળભળાટ; માલ્યાએ કટાક્ષ કરતા કહ્યું- 'મને લૂંટ્યો અને બીજાને લ્હાણી'

રાજકોટ, તા. 27: ભારતની બેન્કિંગ સિસ્ટમ અને કોર્પોરેટ ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે તેવા સમાચાર સામે આવ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રાને ₹22,000 કરોડથી વધુના જંગી દેવામાંથી ખૂબ મોટી રાહત આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે આ આખી માતબર રકમનું પતાવટ (સેટલમેન્ટ) માત્ર ₹6.5 કરોડમાં કરવાની મંજૂરી આપી દીધી છે, જે મૂળ રકમના માત્ર 0.1 ટકા જેટલી થાય છે. દેશની સૌથી મોટી લોન માફી ગણાતા આ નિર્ણયથી ધિરાણકર્તા બેંકો અને નાણાકીય સંસ્થાઓને હજારો કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ કેસમાં NCLTની બે સભ્યોની બેન્ચ વચ્ચે અગાઉ મતભેદ ઊભા થયા હતા, ત્યારબાદ ટ્રિબ્યુનલના અધ્યક્ષ દ્વારા ન્યાયિક સભ્ય નિલેશ શર્માને ત્રીજા સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. LIC હાઉસિંગ ફાઇનાન્સ સહિતના ધિરાણકર્તાઓએ આ યોજનાનો સખત વિરોધ કરતા તેને અવ્યવહારુ અને ગેરકાયદે ગણાવી હતી. બેંકોની મુખ્ય દલીલ એ હતી કે વસૂલાતની આ રકમ નગણ્ય છે. જોકે, ત્રીજા સભ્ય નિલેશ શર્માએ તમામ વાંધાઓ ફગાવી દઈને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) ની કલમ 114 હેઠળ આ સેટલમેન્ટ સ્કીમને લીલી ઝંડી આપી દીધી હતી.
NCLTના આ આશ્ચર્યજનક નિર્ણય બાદ લિકર કિંગ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વીટ કરીને ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. માલ્યાએ કટાક્ષ કરતાં લખ્યું હતું કે, "જો આ સમાચાર સાચા હોય તો મારા મિત્ર સુભાષને ખૂબ ખૂબ અભિનંદન. બેંકો અને સરકારે પોતે સ્વીકાર્યું છે કે તેમણે મારા ₹6,203 કરોડના દેવા સામે મારી પાસેથી ₹14,100 કરોડ વસૂલ કરી લીધા છે, જ્યારે બીજી તરફ અન્ય મોટા દેવાદારો નજીવી રકમ ચૂકવીને પોતાના હજારો કરોડના દેવા સરળતાથી ચૂકતે કરી રહ્યા છે."
આ નિર્ણય બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો લાલઘૂમ થયા છે અને સરકાર તેમજ નિયમનકારી સંસ્થાઓની ભૂમિકા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ₹22,000 કરોડનું દેવું આટલી મામૂલી રકમમાં રફેદફે થઈ જવાથી આગામી દિવસોમાં બેન્કિંગ ક્ષેત્રે રિકવરી પ્રોસેસ અને IBCના કાયદાઓ પર મોટો વિવાદ ઊભો થવાની શક્યતા છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
