News of Thursday, 27th August 2026
PNG કનેક્શન અપનાવવામાં લોકોની નિરસતાથી સરકાર લાલઘૂમ: દેશભરમાં એલપીજી સિલિન્ડર કનેક્શન રદ થવાનો મોટો ખતરો, પાઈપલાઈનવાળા વિસ્તારોમાં સિલિન્ડર પુરવઠો બંધ કરવા આદેશ!
માત્ર ૨૦ ટકા ગ્રાહકોએ જ પીએનજીમાં રસ દાખવતાં કેન્દ્ર સરકાર એક્શન મોડમાં; તમામ રાજ્યોમાં જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક સાથે કડક નિયમો લાગુ કરાયા.

નવી દિલ્હી, તા.27: કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું રાંધણ ગેસ તરીકે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) નો વ્યાપ વધારવાના તમામ પ્રયાસો સામે લોકોની ઉદાસીનતા સામે આવતાં સરકારે હવે આકરો અભિગમ અપનાવ્યો છે. સરકારી ડેટા અનુસાર, જે વિસ્તારોમાં PNG નેટવર્ક પહોંચી ગયું છે તેવા પાત્ર ૨.૧૭ કરોડ LPG ગ્રાહકોમાંથી માત્ર ૨૦ ટકા એટલે કે આશરે ૪૪ લાખ લોકોએ જ PNG માટે અરજી કરી છે. ગ્રાહકોના આ નિરસ પ્રતિસાદને કારણે કેન્દ્ર સરકારે હવે કાયદાકીય કડકાઈ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં ‘LPG કંટ્રોલ ઓર્ડર’માં સુધારો કરીને નવા નિયમો સૂચિત કર્યા છે. નવા નિયમો મુજબ, જે વિસ્તારોમાં PNG પાઇપલાઇન ઉપલબ્ધ છે ત્યાં નવા LPG સિલિન્ડર કનેક્શન આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં, નોટિસ મળ્યા બાદ પણ જે ગ્રાહકો LPG છોડીને PNG માં સ્વિચ નહીં કરે તેમનો એલપીજી સિલિન્ડરનો પુરવઠો ગમે ત્યારે કાયમ માટે કાપી નાખવામાં આવી શકે છે. સરકારનો મુખ્ય હેતુ શહેરોમાં સિલિન્ડરોના ટ્રાન્સપોર્ટેશનનો બોજ ઘટાડવાનો અને પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરવાનો છે.
આ સંક્રમણ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જિલ્લા સ્તરે ‘નોડલ અધિકારીઓ’ની નિમણૂક કરવાના નિર્દેશ આપ્યા છે. આ અધિકારીઓ ગેસ વિતરણ કંપનીઓ અને તેલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલન સાધીને ઘરે-ઘરે PNG કનેક્શન પહોંચાડવાની ઝુંબેશને ઝડપી બનાવશે. પાછલા ૫ મહિનામાં માત્ર ૧.૪ લાખ લોકોએ જ LPG કનેક્શન સરેન્ડર કર્યા હોવાથી હવે સરકાર કડક પગલાં ભરીને લોકોને પાઇપ્ડ ગેસ અપનાવવા મજબૂર કરશે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
