<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

૬ઠ્ઠા ધોરણમાં નાપાસ અને પિતા રૂ.૧૦ કમાતા દૈનિક મજૂર: શિક્ષકના એક શબ્દે કેરળના પીસી મુસ્તફાનું ભાગ્ય બદલ્યું, રૂ.૫૦,૦૦૦થી શરૂ કરી બનાવી રૂ.૬૮૧ કરોડની 'iD ફ્રેશ ફૂડ' ઈમ્પાયર!

એન્જિનિયરિંગ અને IIM બેંગલોરનું ભણતર પૂર્ણ કર્યા બાદ બહુરાષ્ટ્રીય કંપનીની લાખોની નોકરી છોડી સ્કૂટર પર ઈડલી-ઢોસાનું ખીરું (બેટર) વેચવાની શરૂઆત કરી.

બેંગલુરુ, તા.27: શૈક્ષણિક નિષ્ફળતા, ભયાનક ગરીબી કે નાણાકીય મુશ્કેલીઓ ક્યારેય માણસનું ભવિષ્ય નક્કી કરી શકતી નથી — આ વાતને સાબિત કરી બતાવી છે કેરળના વાયનાડ જિલ્લાના એક નાના ગામડામાં જન્મેલા પીસી મુસ્તફાએ. જેના પિતા એક સમયે ખેતરમાં મજૂરી કરીને દિવસના માંડ ૧૦ રૂપિયા કમાતા હતા અને જે પોતે ૬ઠ્ઠા ધોરણમાં નાપાસ થઈ શાળા છોડી ચૂક્યો હતો, આજે તે જ મુસ્તફા રૂ.૬૮૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી મલ્ટીનેશનલ બ્રાન્ડ 'iD ફ્રેશ ફૂડ' (iD Fresh Food) નો માલિક છે.

 

બાળપણમાં ૬ઠ્ઠા ધોરણમાં નપાસ થયા બાદ મુસ્તફાએ ભણવાનું છોડી પિતા સાથે મજૂરીએ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમના ગણિતના શિક્ષકના એક સવાલે તેમના જીવનનો માર્ગ બદલી નાખ્યો. શિક્ષકે પૂછ્યું, "શું તારે આખી જિંદગી મજૂરી જ કરવી છે કે ભણીને ભાગ્ય બદલવું છે?" આ શબ્દો દિલમાં કોતરાઈ ગયા અને મુસ્તફા ફરી શાળાએ ગયા. ત્યારબાદ તેમણે અભ્યાસમાં એવો ઝળહળતો દેખાવ કર્યો કે ૭મા અને ૧૦મા ધોરણમાં ટોપ કરી કેરળ એન્જિનિયરિંગ પ્રવેશા પરીક્ષામાં ૬૩મો રેન્ક મેળવ્યો. NIT કાલિકટમાંથી કમ્પ્યુટર સાયન્સ અને IIM બેંગલોરથી મેનેજમેન્ટ કર્યા બાદ તેમણે વિદેશમાં લાખોના પેકેજવાળી નોકરી કરી અને ૨ મહિનામાં પિતાનું દેવું ચૂકવ્યું.

 

પરંતુ કોર્પોરેટ ગ્લેમર છોડી મુસ્તફા ૨૦૦૫માં ભારત પરત ફર્યા અને પિતરાઈ ભાઈઓ સાથે મળીને માત્ર રૂ.૫૦,૦૦૦ ના રોકાણથી ૫૫૦ ચોરસ ફૂટના રૂમમાં બે ગ્રાઇન્ડર અને એક સીલિંગ મશીન વડે પ્રિઝર્વેટિવ્સ વગરનું તાજું ઈડલી-ઢોસાનું ખીરું (બેટર) બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં મુસ્તફા પોતે સૂર્યોદય પહેલા સ્કૂટર પર દુકાનોમાં પેકેટ આપવા જતા હતા. ધીમે ધીમે આ ગુણવત્તાસભર પ્રોડક્ટ 'iD ફ્રેશ ફૂડ' ના નામે જાણીતી થઈ. આજે આ કંપની ૧૦૦થી વધુ શહેરો ઉપરાંત અમેરિકા, યુએઈ, લંડન અને સિંગાપોર જેવા દેશોમાં પરાઠા, પનીર, દહીં અને ફિલ્ટર કોફી વેચે છે, જેમાં ૧,૫૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તેણે રૂ.૬૮૧.૩૮ કરોડનું રેકોર્ડ બ્રેક ટર્નઓવર નોંધાવ્યું છે.

(5:49 PM IST)