News of Thursday, 27th August 2026
ન્યૂયોર્કની 'બંગલો' રેસ્ટોરન્ટમાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત: રાધિકા મર્ચન્ટે સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાને જલેબી આકારની રાખડી બાંધી ભાવુક કર્યા, શેફ બોલ્યા- 'મારો એક ભાગ સ્વસ્થ થયો'!
અનંત અંબાણીના 'વંતારા' પ્રોજેક્ટના સન્માનમાં ફૂલોથી રેસ્ટોરન્ટ શણગારાઈ; રાખડી બાંધવાની ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

ન્યૂ યોર્ક : બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ તાજેતરમાં ન્યૂયોર્કની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન અંબાણી પરિવારે ન્યૂયોર્કમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાની રેસ્ટોરન્ટ 'બંગલો' (Bungalow) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા મર્ચન્ટે શેફ વિકાસ ખન્નાના કાંડા પર એક ખાસ જલેબી આકારની રાખડી બાંધીને આખી મહેફિલમાં ભાવનાત્મક વાતાવરણ સર્જી દીધું હતું.
શેફ વિકાસ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ખાસ ક્ષણનો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, "આજે જ્યારે રાધિકાએ મારા કાંડા પર આ નાની જલેબી આકારની રાખડી બાંધી, ત્યારે મારી અંદર કંઈક સકારાત્મક બદલાઈ ગયું. એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે જાણે મારા શરીરનો કોઈ વિસરાયેલો ભાગ સ્વસ્થ (Heal) થઈ ગયો હોય. રાધિકા નામનો મારા માટે શું અર્થ છે તે આખી દુનિયા જાણે છે. આ આશીર્વાદ મને ત્યારે મળ્યા જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી."
અંબાણી પરિવારના આગમન માટે વિકાસ ખન્નાએ રેસ્ટોરન્ટની કાચની છત સાફ કરીને ફૂલોની પાંખડીઓથી અનંત અંબાણીના પ્રાણી કલ્યાણ પ્રોજેક્ટ 'વંતારા' (Vantara) નું નામ લખીને તેમનું સ્વાગત કર્યું હતું. ખન્નાએ અનંત અંબાણીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અને સેવાકાર્યની મુક્ત મને પ્રશંસા કરી હતી. નીતા અંબાણીએ પણ આ મુલાકાત દરમિયાન શેફ વિકાસ ખન્નાને એક મોરની ડિઝાઈન વાળો બ્રોચ ભેટમાં આપ્યો હતો. રાધિકાના આ પ્રેમાળ હાવભાવ અને અંબાણી પરિવારની સાદગીના સોશિયલ મીડિયા પર ભારે વખાણ થઈ રહ્યા છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
