<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સમય સમય બલવાન: સાયબર વિવાદમાં સપડાયેલા કોમેડિયન સમય રૈનાનું સીએમ દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મુંબઈમાં બહુમાન; '1930 નંબર તો મેં સેવ કરી રાખ્યો છે' કહીને કોમેડિયને માર્યો જોરદાર જોક!

સાયબર સેલની પૂછપરછથી લઈને એ જ મંચ પર સન્માન સુધીની સફર: 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ બાદ મહારાષ્ટ્ર સાયબરના જનજાગૃતિ કાર્યક્રમમાં સમય રૈનાની હાસ્યરસથી ભરપૂર એન્ટ્રી.

મુંબઈ : કહેવાય છે ને કે 'સમય સમય બલવાન છે', અને આ કહેવત પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. એક સમયે જે મહારાષ્ટ્ર સાયબર સેલની કચેરીએ સમય રૈનાને વિવાદિત ટિપ્પણી અને પૂછપરછ માટે ચક્કર કાપવા પડતા હતા, તે જ સાયબર સેલના મંચ પર ગઈકાલે ૨૬ ઓગસ્ટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે સમય રૈનાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભૂતકાળના કડવા અનુભવોને ભૂલીને સમય રૈનાએ સ્ટેજ પરથી જ સાયબર હેલ્પલાઈન પર એવો રમૂજી જોક માર્યો કે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન સન્માન સ્વીકાર્યા બાદ સમય રૈનાએ મોકા પર ચોકો મારતાં કહ્યું હતું કે, "સાયબર સેલનો ૧૯૩૦ હેલ્પલાઈન નંબર તો મેં મારા ફોનમાં સેવ જ રાખ્યો છે... કારણ કે ઘણી વાર મને ત્યાંથી જ ફોન આવે છે!" તેણે આગળ હાસ્ય નીપજાવતાં કહ્યું કે, વ્યક્તિ ભલે ભારતમાં હોય કે અમેરિકામાં, સાયબર સેલ તેને શોધી જ કાઢે છે. અગાઉ અધિકારીઓ તેને લેવા આવતા હતા, પણ આ વખતે તે જ અધિકારીઓ સન્માન કરવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૬માં જ સુપ્રીમ કોર્ટે ૨૦૨૫ના 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શો વિવાદ સંબંધિત ફોજદારી કાર્યવાહી રદ કરીને રૈનાને મોટી રાહત આપી હતી.

 

મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા યોજાયેલા આ ખાસ જાગૃતિ કાર્યક્રમમાં 'ડિજિટલ અરેસ્ટ' શોર્ટ ફિલ્મ અને '૧૯૩૦ મહારાષ્ટ્ર સાયબર એન્થમ' લોન્ચ કરવામાં આવ્યા હતા. પોલીસ કે જજ બનીને લોકોને ડરાવી પૈસા પડાવાતી સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવા અને તુરંત ૧૯૩૦ પર સંપર્ક કરવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં પંકજ ત્રિપાઠી, આશિષ વિદ્યાર્થી, શરદ કેલકર, સોનાલી બેન્દ્રે, જાવેદ જાફરી અને સુનિધિ ચૌહાણ જેવી જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ અને સમય રૈનાની જુગલબંધી સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી હતી.

(6:29 PM IST)