<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મણિપુરમાં ઉગ્રવાદીઓનો હિંસક આતંક: કાંગપોક્પીમાં વાહન પર અંધાધૂંધ ગોળીબારમાં ૪ના મોત, સુરક્ષા દળોએ ૫ આતંકીઓની ધરપકડ કરી બંકરો ધ્વસ્ત કર્યા!

ઇમ્ફાલ ખીણમાંથી પ્રતિબંધિત UPPK સંગઠનના ઉગ્રવાદીઓ ઝડપાયા; CRPF અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ભારે માત્રામાં દારૂગોળો જપ્ત.

ઇમ્ફાલ : મણિપુરમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ ફરી એકવાર હિંસક બની છે. કાંગપોક્પી જિલ્લામાં અજાણ્યા ઉગ્રવાદીઓએ એક વાહનને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ લોહિયાળ હુમલામાં ચાર લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ હોવાના અહેવાલ છે. આ અગાઉ પણ લોઇબોલ ખુલેન ગામ પર ઉગ્રવાદી સંગઠનો (NSCN-IM અને ZUF-K) દ્વારા કરાયેલા સશસ્ત્ર હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા અને સાત ઘરો સળગાવી દેવાયા હતા.

 

બીજી તરફ, મણિપુર પોલીસ અને CRPF દ્વારા હાથ ધરાયેલા જવાબી ઓપરેશનમાં મોટી સફળતા સાંપડી છે. પોલીસની ટીમે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી ખંડણી, ધાકધમકી અને અપહરણમાં સંડોવાયેલા પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલેઇપાક (UPPK)ના ૫ આતંકવાદીઓની ધરપકડ કરી છે તથા એક સગીરની અટકાયત કરી છે. તેમની પાસેથી UPPKના ૨૩ લેટરહેડ પણ કબજે કરવામાં આવ્યા છે.

 

આ ઉપરાંત, સુરક્ષા દળોએ તાફૌ કુકી અને તાફૌ લિયાંગમાઈ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓના ૩ ગેરકાયદેસર બંકરોને બોમ્બથી ઉડાવીને ધ્વસ્ત કરી દેવાયા હતા. સ્થળ પરથી બે SBBL બંદૂકો, ૧૨-બોરના ૭૮ જીવંત રાઉન્ડ તથા AK-47ના કારતૂસના ખાલી ખોખા સહિતનો મોટો દારૂગોળો જપ્ત કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:03 PM IST)