<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ પર સીએમ દેવેન્દ્ર ફડણવીસની મોટી રાહત: ઓટો-ટેક્સી ડ્રાઇવરોને મરાઠી શીખવા ૧ વર્ષની મુદત મળી; આ સમયગાળામાં નહીં થાય કોઈ આકરાં પગલાં!

પરિવહન મંત્રીની બેજ રદ કરવાની ચેતવણી બાદ ચાલકોના ભારે વિરોધને પગલે રાજ્ય સરકાર નમી; જુદી જુદી વયના ડ્રાઇવરો માટે મરાઠી શીખવા ઔપચારિક સમય મંજૂર.

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠી ભાષાના વિવાદ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકો માટે એક ખુબ જ રાહતરૂપ નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે પરપ્રાંતીય અને અન્ય ઓટો-ટેક્સી ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવા માટે વધારાનો ૧ વર્ષનો સમય આપવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તેમની સામે બેજ સસ્પેન્શન કે અન્ય કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભાષાની આકરી શરત સામે ડ્રાઇવરોના સંગઠનો દ્વારા કરવામાં આવેલા આકરા વિરોધ અને હંગામા બાદ સરકારે આ નરમ વલણ અપનાવ્યું છે.

 

મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે ઓટો અને કેબ ચાલકોના પ્રતિનિધિમંડળે તેમને મળીને રજૂઆત કરી હતી. તેમણે કહ્યું, "બધા ચાલકો એ વાત સાથે સંમત છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેકને મરાઠી આવડવી જોઈએ. પરંતુ આ વ્યવસાયમાં અલગ-અલગ ઉંમરના લોકો હોવાથી તેમના માટે તાત્કાલિક ધોરણે નવી ભાષા શીખવી મુશ્કેલ છે. તેમણે ૧ વર્ષની મુદત માંગતી યોજના રજૂ કરી હતી, જેને રાજ્ય સરકારે મંજૂર કરી દીધી છે. આ આખા વર્ષ દરમિયાન તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય."

 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આદેશ આપ્યો હતો કે રાજ્યના તમામ ઓટો અને ટેક્સી ડ્રાઇવરો પાસે મરાઠીનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે. જે ડ્રાઇવરો મરાઠી બોલવામાં નિષ્ફળ જશે તેમના પરમિટ અને ઓથોરિટી બેજ પહેલા ૧ મહિના માટે સસ્પેન્ડ કરાશે અને છતાં ભાષા નહીં શીખે તો બેજ કાયમ માટે રદ કરવાની કડક જોગવાઈ રજૂ કરી હતી. સરકારના આ કડક નિર્ણયનો મુંબઈ સહિત સમગ્ર રાજ્યના લાખો ડ્રાઇવરોએ ભારે વિરોધ કર્યો હતો, જેના પરિણામે આખરે સરકારે તેમને એક વર્ષની મહેતલ આપવી પડી છે.

(7:14 PM IST)