News of Thursday, 27th August 2026
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની મોટી કાર્યવાહી, ₹160.55 કરોડની લોન છેતરપિંડી કેસમાં ₹12.20 કરોડના ઝવેરાત અને રોકડ જપ્ત
મુંબઈ અને વડોદરામાં બિલપાવર લિમિટેડના પ્રમોટરો સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડીને ED એ કરોડો રૂપિયાની સંપત્તિ અને બેંક ખાતાઓ જપ્ત કર્યા છે.

મુંબઈ : દેશમાં આર્થિક ગુનાઓ સામે કેન્દ્રીય એજન્સીઓનું સકંજો વધુ મજબૂત બની રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે જોડાયેલા આશરે 160.55 કરોડ રૂપિયાના મોટા લોન કૌભાંડ અને છેતરપિંડીની તપાસના ભાગરૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા મુંબઈ અને વડોદરામાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. મંગળવારે હાથ ધરેલી આ ઓપરેશનલ કાર્યવાહીમાં સાત રહેણાંક અને વ્યવસાયિક પરિસરો તેમજ ત્રણ બેંક લોકર્સની સઘન તપાસ કરવામાં આવી હતી.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ બિલપાવરના પ્રમોટરો અને તેમની સિસ્ટર કન્સર્ન સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા દરમિયાન, એજન્સીએ આશરે 43.90 લાખ રૂપિયાની રોકડ અને અંદાજે 12.20 કરોડ રૂપિયાના કિંમતી દાગીના જપ્ત કર્યા છે. આ સાથે જ PMLA ની કલમ 17(1A) હેઠળ અંદાજે 27 લાખ રૂપિયા ધરાવતા બે બેંક ખાતાઓ અને ત્રણ બેંક લોકર્સને પણ સીલ કે ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ કેસની શરૂઆત દિલ્હીમાં CBI ના આર્થિક ગુના એકમ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR થી થઈ હતી, જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર આધારિત હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રાન્સફોર્મર લેમિનેશન અને કોરનું ઉત્પાદન કરતી બિલપાવર લિમિટેડનું સંચાલન રાજેન્દ્ર કુમાર ચૌધરી, સુરેશ કુમાર ચૌધરી અને નરેશ કુમાર ચૌધરી દ્વારા કરવામાં આવતું હતું. કંપનીએ વર્ષ 2005 થી એસબીઆઈ સાથે બેંકિંગ સંબંધો રાખ્યા હતા, પરંતુ બેંક ભંડોળને ડાયવર્ટ કરવા અને ખાતાના ચોપડામાં હેરાફેરી કરવાના ગંભીર આરોપોને પગલે 18 એપ્રિલ, 2012 ના રોજ આ લોન ખાતું નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું.
ED ની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે કંપની શેલ અને બોગસ કંપનીઓ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે લેટર્સ ઓફ ક્રેડિટ (LC) ટ્રાન્સફર કરી નાણાકીય હેરાફેરી કરતી હતી. આ ભંડોળ અંતે ચૌધરી પરિવારના સભ્યો કે તેમના સહયોગીઓની અન્ય સંસ્થાઓમાં ડાયવર્ટ કરવામાં આવતું હતું. નાણાકીય મુશ્કેલીઓના કારણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા 2021 માં આ કંપની સામે નાદારીની કાર્યવાહી સ્વીકારવામાં આવી હતી અને બાદમાં કંપની લિક્વિડેશનમાં ગઈ હતી, જેની સમાંતર હવે ED ની મની લોન્ડરિંગ તપાસ પણ જોરશોરથી ચાલી રહી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
