<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

વૈશ્વિક રાજનીતિમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન સામસામે : પશ્ચિમી દેશોમાં ભારે ખળભળાટ!

ભારત-રશિયાની અપ્રતિમ મિત્રતાના નવા અધ્યાય સાથે પીએમ મોદી- પુતિન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ બેઠક : ભૂ-રાજકીય સમીકરણો બદલવા અને આતંકવાદ સામે ભારતની શૂન્ય-સહિષ્ણુતા નીતિને વૈશ્વિક મંચ પર બુલંદ કરવા તૈયાર

નવી દિલ્હી :  વૈશ્વિક રાજકારણના નકશા પર જ્યારે મોટા દેશો પોતપોતાના દાવ રમી રહ્યા છે, ત્યારે મધ્ય એશિયામાંથી આવેલા એક સમાચારથી પાશ્ચાત્ય છાવણીમાં મોટો ખળભળાટ મચી ગયો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. આ મુલાકાત માત્ર એક ઔપચારિક શિષ્ટાચાર નથી, પરંતુ વૈશ્વિક દબાણો અને પ્રતિબંધોના વાદળો વચ્ચે ભારત-રશિયા વચ્ચેના અતુટ વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત પુરાવો છે. પીએમ મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકના પ્રવાસે જશે, જ્યાં તેઓ 6ઠ્ઠા વર્લ્ડ નોમડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ વિશેષ હાજરી આપશે.

પીએમ નરેન્દ્ર મોદીના આ મહત્વકાંક્ષી મધ્ય એશિયા પ્રવાસનો પ્રારંભ 29 ઓગસ્ટે ઉઝબેકિસ્તાનના તાશ્કંદથી થશે. રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર પહોંચી રહેલા પીએમ મોદીની આ ચોથી ઉઝબેકિસ્તાન મુલાકાત છે, જે "વિકસિત ભારત @ 2047" અને "ઉઝબેકિસ્તાન 2030" ના વિઝનને એક તાંતણે બાંધશે. આ દરમિયાન વેપાર, ઉર્જા સુરક્ષા, સંરક્ષણ અને ડિજિટલ કનેક્ટિવિટી જેવા મહત્ત્વના ક્ષેત્રો પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થશે. રાજદ્વારી મંત્રણાઓ ઉપરાંત, પીએમ મોદી ભારત સન્માનિત ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પશે તેમજ તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ખાતે મહાત્મા ગાંધી કેન્દ્રની મુલાકાત લઈને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.

પ્રવાસના બીજા તબક્કામાં પીએમ મોદી 31 ઓગસ્ટે કિર્ગિઝ રિપબ્લિકના બિશ્કેક પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ સદિર જાપારોવની અધ્યક્ષતામાં 26મી SCO સમિટ યોજાવાની છે. SCO ની 25મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ ખાસ સમિટમાં પીએમ મોદી ભારતની ત્રણ મુખ્યા પ્રાથમિકતાઓ - સુરક્ષા, કનેક્ટિવિટી અને તક નો માર્ગદર્શક રોડમેપ વિશ્વ સમક્ષ રજૂ કરશે. આ મંચ પરથી ભારત સરહદ પારના આતંકવાદ સામે પોતાની શૂન્ય-સહિષ્ણુતા નીતિ પર અડીખમ રહીને આતંકવાદને આશ્રય આપતા દેશો સામે કડક આંતરરાષ્ટ્રીય પગલાં લેવા માટે સૂર બુલંદ કરશે.

(8:03 PM IST)