<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

વડાપ્રધાન મોદીનો મહત્વપૂર્ણ મધ્ય એશિયા પ્રવાસ: ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની મુલાકાત સાથે SCO સમિટમાં આપશે હાજરી!

મધ્ય એશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ આપવા અને વૈશ્વિક શાંતિ, ઉર્જા સુરક્ષા તથા આતંકવાદ મુક્ત વિશ્વની હિમાયત કરવા પીએમ મોદી ૨૯ ઓગસ્ટથી ઐતિહાસિક પ્રવાસે જશે : બિશ્કેકમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ શક્ય

નવી દિલ્હી :  વૈશ્વિક ભૂ-રાજકીય સમીકરણો વચ્ચે ભારતના રાજદ્વારી કદમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન મધ્ય એશિયાના બે મહત્વપૂર્ણ દેશો – ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના દ્વિપક્ષીય અને બહુપક્ષીય પ્રવાસે જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ પ્રવાસ દરમિયાન ભારત અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચે સંરક્ષણ, ઉર્જા, ડિજિટલ કનેક્ટિવિટી અને શૈક્ષણિક આદાનપ્રદાનના ક્ષેત્રોમાં નવી ભાગીદારીઓ આકાર લેશે.

પીએમ નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં ૨૯ અને ૩૦ ઓગસ્ટે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર તાશ્કંદ પહોંચશે. વર્ષ ૨૦૧૧માં સ્થાપિત થયેલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવતા, "વિકસિત ભારત @ ૨૦૪૭" અને "ઉઝબેકિસ્તાન ૨૦૩૦" ના સંયુક્ત વિઝન પર વ્યાપક ચર્ચા થશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી તાશ્કંદમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સ્મારકે અંજલિ અર્પશે અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ખાતે આવેલા મહાત્મા ગાંધી કેન્દ્રની મુલાકાત લઈ સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપશે.

ત્યારબાદ ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત ૨૬મી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની શિખર પરિષદમાં ભાગ લેશે. SCO સંગઠન વિશ્વની ૪૦ ટકા વસ્તી અને ૨૦ ટકા ગ્લોબલ GDP નું પ્રતિનિધિત્વ કરે છે. આ પરિષદ દરમિયાન પીએમ મોદી સુરક્ષા, કનેક્ટિવિટી અને તકનો ત્રિસ્તરીય રોડમેપ રજૂ કરશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મંચ પરથી આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે ભારતની શૂન્ય-સહિષ્ણુતા નીતિનો પુનરોચ્ચાર કરવામાં આવશે. સમિટની સાથે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર આખા વિશ્વની નજર રહેશે.

(8:07 PM IST)