<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રૂ. ૨૨,૦૦૬ કરોડનું દેવું ને સેટલમેન્ટ માત્ર ૬.૫ કરોડમાં! : NCLT ના ચુકાદાથી બેંકિંગ ક્ષેત્ર અને સામાન્ય જનતામાં ભારે આક્રોશ!

નાદારી કાનૂનની મર્યાદાઓ વચ્ચે બેંકો અને LIC જેવી સરકારી સંસ્થાઓના હજારો કરોડ રૂપિયા ધોવાઈ ગયા : દેશના મોટા ઉદ્યોગપતિને ૯૯.૯૭ ટકાનું અભૂતપૂર્વ "હેરકટ" મળતાં કોર્પોરેટ ગવર્નન્સ સામે ગંભીર સવાલો ઊભા થયા

નવી દિલ્હી :  સામાન્ય નાગરિક જ્યારે હોમ લોન કે બાઇકના બે-ત્રણ હપ્તા ભરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે બેંકોની વસૂલાત એજન્સીઓ તેમનું જીવવું હરામ કરી મૂકે છે. પરંતુ દેશના અગ્રણી મીડિયા ઉદ્યોગપતિ અને 'ઝી' ગૃપના સ્થાપક સુભાષ ચંદ્રાના કિસ્સામાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ એક એવો અણધાર્યો નિર્ણય સામે આવ્યો છે જેને જોઈને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સુભાષ ચંદ્રાના ₹૨૨,૦૦૬.૫૭ કરોડના વ્યક્તિગત દેવાની પતાવટ માટે માત્ર ₹૬.૫ કરોડની રિઝોલ્યુશન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી ધિરાણકર્તા બેંકો અને નાણાકીય સંસ્થાઓને પોતાના ₹૨૨,૦૦૦ કરોડથી વધુ રકમ પર પાણી ફેરવવું પડ્યું છે, જે ૯૯.૯૭ ટકાના રેકોર્ડબ્રેક નુકસાન (હેરકટ) સમાન છે.

NCLT ની બે-સભ્યોની બેંચ વચ્ચે આ કેસમાં મતભેદ સર્જાતાં મામલો ત્રીજા ન્યાયિક સભ્ય નિલેશ શર્મા પાસે પહોંચ્યો હતો. ટ્રિબ્યુનલે પોતાના ૧૪૪ પાનાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે કાયદા મુજબ બેંકો અને લેણદારોના 'વ્યાપારી નિર્ણય' (Commercial Wisdom) માં ટ્રિબ્યુનલ પોતાની મરજીથી હસ્તક્ષેપ કરી શકતી નથી. આ યોજનાની તરફેણમાં ૮૦.૮૧ ટકા લેણદારોએ વોટિંગ કર્યું હતું. વધુમાં, રિઝોલ્યુશન પ્રોફેશનલના અહેવાલ મુજબ સુભાષ ચંદ્રાની પોતાની વ્યક્તિગત સંપત્તિ ₹૬.૫ કરોડથી પણ ઓછી કિંમતની હતી, તેથી તેમને નાદાર જાહેર કરવા કરતાં જે મળે તે સ્વીકારવું લેણદારો માટે વધુ વ્યાવહારિક ગણાયું હતું.

આ સમગ્ર ખેલમાં સરકારી વીમા કંપની LIC હાઉસિંગ ફાઇનાન્સ સૌથી મોટી ભોગ બગડો બની છે. LIC હાઉસિંગ ફાઇનાન્સનો આ કેસમાં ₹૧,૩૨૨.૩૯ કરોડનો દાવો હતો, પરંતુ હવે તેમને માંડ ₹૩૮.૦૯ લાખ (કુલ લેણાના માત્ર ૦.૦૨૮%) જ મળશે. સરકારી કંપનીઓએ આ યોજનાને ગેરકાયદેસર અને અયોગ્ય ગણાવી વિરોધ કર્યો હતો, પરંતુ IBC ની કલમ ૧૧૫ હેઠળ હવે આ સમાધાનનો વિરોધ કરનારા તમામ ધિરાણકર્તાઓ પર પણ આ આદેશ ફરજિયાતપણે લાગુ થશે. એક તરફ LIC જેવી સંસ્થાઓને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ આ નિર્ણય બાદ શેરબજારમાં 'ઝી એન્ટરટેઈનમેન્ટ' ના શેરમાં તેજી જોવા મળી હતી.

(8:13 PM IST)