News of Thursday, 27th August 2026
ગોરખપુર: ઉત્તર પ્રદેશની મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા 5 વર્ષ, 53 રોજગારલક્ષી અને આધુનિક અભ્યાસક્રમો સાથે શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે રચ્યો નવો ઇતિહાસ
માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ અને તબીબી સેવાઓનું બેન્ચમાર્ક બનેલી આ યુનિવર્સિટીએ દેશભરમાં મેળવી અનોખી ખ્યાતિ; રાષ્ટ્રપતિઓ પણ કરી ચૂક્યા છે મુલાકાત.

ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલી મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટી (MGUG) એ પોતાની સ્થાપનાના માત્ર 5 વર્ષમાં જ શિક્ષણ અને તબીબી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ, વિશેષ અને રોજગારલક્ષી શિક્ષણનો નવો રાહ ચીંધનાર આ યુનિવર્સિટીએ MBBS અને BAMS સહિત કુલ 53 જેટલા વિશિષ્ટ અભ્યાસક્રમો શરૂ કરીને ગોરખપુરને એક અગ્રણી 'જ્ઞાન નગરી' તરીકે સ્થાપિત કરવામાં મોટું યોગદાન આપ્યું છે.
વર્ષ 2021 માં માત્ર 12 અભ્યાસક્રમો સાથે શરૂ થયેલી આ શૈક્ષણિક સફર આજે 53 રોજગારલક્ષી અને કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સુધી પહોંચી છે. તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 28 ઓગસ્ટ, 2021 ના રોજ ઉદ્ઘાટન પામેલી આ યુનિવર્સિટી વર્તમાન સમયમાં ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક સંશોધનોનો સમન્વય સાધી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન વર્ષ 2032 સુધીમાં ગોરખપુરને દેશનું જાણીતું શૈક્ષણિક કેન્દ્ર બનાવવાનું છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. પ્રદીપ કુમાર રાવના જણાવ્યા અનુસાર, આ સંસ્થા મહંત દિગ્વિજયનાથ અને મહંત અવૈદ્યનાથના વિચારો પર આધારિત છે, જેઓ શિક્ષણને આત્મનિર્ભરતા અને સામાજિક વિકાસનું સૌથી મોટું હથિયાર માનતા હતા. અહીં મેડિકલ સાયન્સ, નર્સિંગ, પેરામેડિકલ, કૃષિ, ફાર્મસી, બાયોટેકનોલોજી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA/BBA) અને પીએચડી સુધીના આધુનિક કોર્સ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. વિશેષ વાત એ છે કે અહીંના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રિસર્ચ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
શિક્ષણની સાથેસાથે તબીબી ક્ષેત્રે પણ આ યુનિવર્સિટી વરદાનરૂપ સાબિત થઈ રહી છે. કેમ્પસમાં આવેલી હોસ્પિટલોમાં કેન્સર જેવી જટિલ સર્જરીઓ અત્યંત સસ્તા દરે કરવામાં આવે છે, જ્યાં પૂર્વી યુપી ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે. આયુર્વેદ હોસ્પિટલનું પંચકર્મ કેન્દ્ર પણ ટૂંકા સમયમાં દુર્લભ રોગોની સફળ સારવાર માટે લોકપ્રિય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, ખાનગી ક્ષેત્રની આ પહેલી એવી યુનિવર્સિટી છે જેની મુલાકાતે પાંચ વર્ષમાં ભારતના બે રાષ્ટ્રપતિઓ આવી ચૂક્યા છે. 2021 માં રામનાથ કોવિંદ અને ત્યારબાદ 1 જુલાઈ, 2025 ના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ અહીં વિવિધ શૈક્ષણિક ભવનો અને પંચકર્મ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. યુનિવર્સિટીનો પાંચમો સ્થાપના દિવસ આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
