<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મુંબઈ: 1st ઓક્ટોબરથી બદલાઈ જશે હવાઈ મુસાફરીનું ચિત્ર, મુંબઈ એરપોર્ટની 30 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ નવી મુંબઈ (NMIA) ખાતે ખસેડાશે

મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 1 ના પુનર્વિકાસને કારણે હવાઈ ટ્રાફિકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરોએ હવે ફ્લાઈટ પકડતા પહેલા એરપોર્ટ ચોક્કસ તપાસવું પડશે.

મુંબઈ : જો તમે ઓક્ટોબર મહિના પછી મુંબઈથી વિદેશ યાત્રા અથવા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. મુંબઈ એરપોર્ટ પર એર ટ્રાફિકના રિયલાઇન્મેન્ટ અને ટર્મિનલ 1 ના રિડેવલપમેન્ટના ભાગરૂપે આગામી 1 લી ઓક્ટોબર, 2026 થી મુંબઈ એરપોર્ટની અંદાજે 30 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પરથી કરવામાં આવશે. આ ફેરફાર બાદ કેટલાક મુસાફરોએ ફ્લાઈટ પકડવા માટે મુંબઈ એરપોર્ટને બદલે નવી મુંબઈ પહોંચવું પડશે.

 

હાલમાં મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 મળીને દરરોજ આશરે 950 ફ્લાઈટ મૂવમેન્ટ્સનું સંચાલન કરે છે. આશરે 80 વર્ષ જૂના ટર્મિનલ 1 નો ઉત્તર ભાગ આગામી 1 લી જાન્યુઆરી, 2027 થી તોડી પાડવાની અને પુનર્વિકાસ કામગીરી શરૂ થવાની છે. આ કામગીરી સરળતાથી ચાલે અને એર ટ્રાફિક પર ભાર ન પડે તે માટે અગાઉથી જ ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

 

આ ફેરફારના બે મુખ્ય તબક્કા રહેશે:

 

  • પહેલો તબક્કો (1 ઓક્ટોબરથી): મુંબઈ એરપોર્ટની આશરે 30 ટકા (એક તૃતીયાંશ) આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને નવી મુંબઈ એરપોર્ટ (NMIA) તરફ ખસેડવામાં આવશે.

  • બીજો તબક્કો (25 ઓક્ટોબરથી): ટર્મિનલ 1 પરથી સંચાલિત થતી બાકીની ફ્લાઈટ્સમાંથી એક તૃતીયાંશ ફ્લાઈટ્સ મુંબઈ એરપોર્ટના જ ટર્મિનલ 2 પર શિફ્ટ કરવામાં આવશે.

આ ફેરફારોના કારણે હવે મુસાફરો માટે ત્રણ અલગ-અલગ સ્થિતિ ઉભી થશે—કેટલીક ફ્લાઈટ્સ નવી મુંબઈથી, કેટલીક મુંબઈના ટર્મિનલ 2 થી અને કેટલીક અગાઉની વ્યવસ્થા મુજબ ઉડાન ભરશે. ઉલ્લેખનીય છે કે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન અગાઉ 15 જુલાઈ, 2026 થી એર ઇન્ડિયા એક્સપ્રેસની અબુધાબી ફ્લાઈટ સાથે શરૂ થઈ ચૂક્યું છે.

 

મુસાફરો માટે ખાસ સલાહ:

1 ઓક્ટોબર પછી મુસાફરી કરતી વખતે માત્ર ટિકિટ પર "મુંબઈ" લખેલું જોઈને છેલ્લી ઘડીએ એરપોર્ટ પહોંચવાની ભૂલ ન કરતા. તમારી ફ્લાઈટ કયા એરપોર્ટ (મુંબઈ કે નવી મુંબઈ) અને કયા ટર્મિનલ પરથી છે તેની ખાતરી અગાઉથી જ તમારી એરલાઇન પાસેથી મેળવી લેવી અનિવાર્ય છે. નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા માટે તમારે મુસાફરીના સમયમાં પણ વધારો રાખવો પડશે.

(8:26 PM IST)